ગુજરાતમાંથી 3-4 દિવસમાં ચોમાસું વિદાય લેશેઃ રાજ્યમાં સરેરાશ 118 ટકા વરસાદ

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3-4 દિવસમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે. જેના પગલે ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગ પ્રમાણે આગામી 24 કલાક બાદ રાજ્યના અડધા ભાગનું વાતાવરણ સૂકું થઈ જશે.
જોકે, હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને શક્તિ વાવાઝોડાનું ડિપ્રેશનમાં રૂપાંતર થવાથી વરસાદી માહોલ રહેશે. દરિયાકાંઠે ડીસી-1 સિગ્નલ લાગુ છે અને માછીમારોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી.
આપણ વાંચો: Gujarat Weather: એક તરફ ઝાંપટા, બીજી તરફ તાપ; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના મુજબ, રાજ્યમાં સરેરાશ 118.11 ટકા વરસાદ થયો છે. કચ્છમાં સૌથી વધુ 148.14 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 108.59 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 121.51 ટકા, પૂર્વ મધ્યમાં 117.09 ટકા, દક્ષિણ ગુજરાતમાં 123.26 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 100 ટકા ભરાયેલો છે, જ્યારે અન્ય 206 જળાશયોમાં 96.97 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 155 ડેમ હાઇ એલર્ટ પર છે અને 129 ડેમ સો ટકા ભરાયેલા છે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ સો ટકાથી વધુ વરસાદ થયો હોવા છતાં સાત ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે, જ્યારે 8 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. રાજ્યમાં પંચાયત હસ્તકના 44 સહિત કુલ 50 રોડ રસ્તા બંધ છે.