ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુંઃ 67 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું. રાજ્યમાં છેલ્લા 12 તાલુકામાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. માત્ર એક જ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે 67 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. તાપીના ડોલવણમાં 1.14 ઈંચ વરસાદ વરસ્યો હતો. ડેડીયાપાડામાં 0.75 ઈંચ, જાંબુઘોડામાં 0.71 ઈંચ, જામકંડોરણામાં 0.47 ઈંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. 24 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે. હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.
દરિયાકાંઠે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. 24 કલાક બાદ રાજયમાં વરસાદી માહોલ જામશે. હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી વરસાદી માહોલ જામશે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી.
રાજ્યમાં હાલમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ ૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૨.૧૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૭.૦૧ ટકા, પૂર્વ મધ્યમાં ૪૫.૯૦ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ૪૨.૦૮ ટકા સરેરાશ વરસાદ થયો છે.
આપણ વાંચો: વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: 17 જૂન સુધી ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
જેના ફળ સ્વરૂપે રાજ્યના ૨૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકાની વચ્ચે, ૪૪ જળાશય ૫૦થી ૭૦ ટકાની વચ્ચે જ્યારે ૪૦ જળાશયો ૨૫ થી ૨૫ ટકાની વચ્ચે ભરાયા છે. જેથી રાજ્યના ૩૮ જળાશયો માટે હાઈ એલર્ટ, ૨૦ જળાશયો એલર્ટ જ્યારે ૨૦ જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ૪૯.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. ૧૧ જુલાઈ-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૯.૫૫ ટકા જળ સંગ્રહ હતો.