અમદાવાદમાં પીજી સંચાલકો સામે તંત્રની લાલ આંખઃ આ પોશ વિસ્તારમાં 11 એકમ કર્યા સીલ

અમદાવાદઃ શહેરમાં હાલ શહેરની અનેક સોસાયટી, ફ્લેટોમાં પીજી ચાલી રહ્યા છે. જેમાં મારામારી કે સોસાયટીના રહીશો સાથે માથાકૂટ થતી હોવાની ઘટના સામે આવી હતી. પીજીને લઈ વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જુલાઈ 2025માં નવી પોલિસી જાહેર કરી હતી.
જે મુજબ પીજીને પણ હવે હોસ્ટેલ, લોજિંગ કે બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા હતા. જેના કારણે પીજી ચલાવનાર વ્યક્તિએ પણ હોસ્ટેલને લગતાં જીડીસીઆરના નિયમોનું પાલન કરવા જણાવાયું હતું. જો પાલન ન થાય તો મ્યુનિસિપલ કોર્પોરેશન આવા પીજી બંધ કરાવી દેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને થલતેજના સોહમ રો હાઉસમાં મંજૂરી વગર ચાલતા 11 પીજીને સીલ મારી દીધું હતું. તંત્ર દ્વારા નોટિસ આપીને જરૂરી મંજૂરી મેળવવા કહેવામાં આવ્યું હતું. જોકે પીજી સંચાલકો દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી હતી. જેના કારણે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં AMC દ્વારા કરવામાં આવેલી તપાસમાં, શહેરના પશ્ચિમ વિસ્તારમાં 399 પીજી કાર્યરત હતા, જ્યારે પૂર્વ ભાગમાં માત્ર બે એકમો ચાલી રહ્યા હતા. પૂર્વ વિસ્તારના બંને અને પશ્ચિમ વિસ્તારના 383 પીજીને નોટિસ આપવામાં આવી હતી. મુખ્યત્વે મોટી અને પ્રોફેશનલ રીતે ચાલતી પીજીને નોટિસ આપવામાં આવી હતી.
સોસાયટીની અંદર એક જ મકાનમાં ચાલતા આવા એકમોને નોટિસ અપાઈ નહોતી. આમાં મોટા બંગલામાં ચાલતા પીજી અથવા એક કરતાં વધુ ફ્લેટ ભાડે આપતા એકમોનો સમાવેશ થતો હતો. આગામી દિવસોમાં જો જરૂરી પરવાનગી મેળવવામાં ન આવી હોય તો સોસાયટીઓમાં ચાલતા પીજી એકમો સામે પણ એએમસી દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
સપ્ટેમ્બર, 2025માં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પેઇંગ ગેસ્ટ સુવિધાના નિયમોના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્પષ્ટ નિયમો હોવા છતાં, ઉલ્લંઘનના કિસ્સામાં એએમસી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે તેમણે પોતાની સોસાયટીમાં ગેરકાયદેસર પીજી સંચાલન અંગે અનેક ફરિયાદો કરી હતી, પરંતુ એએમસી યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ રહી છે. તેમણે પાર્કિંગ સુવિધા વિના ચાલતા પીજી ઓપરેટરોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જેના પર મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને નિયમોનું કડકપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.



