
અમદાવાદઃ શહેરની લાઇફ લાઇન ગણાતી અમદાવાદ મેટ્રોમાં આજે સવારથી ટેકનિકલ ખામી સર્જાઈ છે. જેના કારણે હાલ વસ્ત્રાલથી થલતેજ રૂટની સર્વિસ ટેકનિકલ ખામીના કારણે બંધ કરવામાં આવી છે. આ અંગે માઇક દ્વારા મુસાફરોને જાણ કરવામાં આવી રહી છે.

માઇકમાં કરવામાં આવેલા એનાઉન્સ મુજબ, ટેક્નિકલ ખામીના કારણે થલતેજ ગામનો રૂટ બંધ છે. જોકે વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ સુધીની સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. ટૂંક સમયમાં આ પ્રકારે મેટ્રો સેવા બંધ થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મેટ્રો બંધ થતાં પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં નોકરી, ધંધા અર્થે જતા લોકોએ બસ, રીક્ષા અથવા ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના ફેબ્રુઆરી 2010ના રોજ કરવામાં આવી હતી અને ઓક્ટોબર 2013ના રોજ પ્રથમ તબક્કામાં 40.03 કિમીના માર્ગના પ્રસ્તાવને મંજૂરી મળી હતી. ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ માર્ગોનો સમાવેશ થતો હતો. 14 માર્ચ 2015ના રોજ બાંધકામની શરૂઆત થઇ હતી. પૂર્વ-પશ્ચિમના 6.5 કિમી માર્ગની શરૂઆત 4 માર્ચ 2019ના રોજ થઇ હતી અને 6 માર્ચ 2019માં તેને જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાયો હતો.