
મોડાસાઃ ગુજરાતના મોડાસામાં હીટ એન્ડ રનની ગંભીર ઘટના બની છે, જેમાં નશામાં ધૂત શિક્ષકે એક બાઈકને ઉડાવીને દોઢેક કિલોમીટર સુધી બાઈક પર સવાર બે જણને ઢસડ્યા હતા. બન્નેને ભારે ઈજા થતા તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઘટના મોડાસાના લુણાવાડા રોડ પાસે નેશનલ હાઈ વે 48 પર બની હતી. કાર અને ટુ વ્હીલર મહીસાગર જિલ્લા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કારચાલક શિક્ષકે મોટરસાયકલને ટક્કર મારી હતી.
કારમાં શિક્ષક સાથે તેમનો ભાઈ પણ હતો અને બન્ન નશામાં ધૂત હતા. બન્નેની ધરપકડ થઈ ગઈ છે. બન્નેની કારમાંથી લીકરની બોટલ મળી છે અને કારને જપ્ત કરી લેવામાં આવી છે.
આ ઘટનાનો 33 સેકન્ડનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં કાર બાઈકને ઢસડતી જોઈ શકાય છે. બાઈક પર સવાર વ્યક્તિનો હાથ વ્હીલમાં આવી ગયો હોવાનું પણ દેખાઈ રહ્યું છે.
કારચાલકનું નામ મનીષ પટેલ અને ભાઈનું નામ મેહુલ પટેલ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ઈજાગ્રસ્તોના નામ દિનેશભાઈ (50) અને સુનીલ (21) હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બન્ને સામે કેસ નોંધવામાં આવ્યો છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમની પણ મદદ લેવાઈ રહીછે. શિક્ષકનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવામા આવે તેવી તૈયારીઓ પણ થઈ રહી છે. ઈજાગ્રસ્તો લુણાવાડા અને ગોધરા હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
 
 
 
 


