ઔડા સિક્સ લેન એસપી રિંગ રોડ પર વસૂલશે ટોલ ટેક્સ, જાણો વિગત

અમદાવાદઃ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) 1 જાન્યુઆરી, 2027થી સિક્સ લેન એસપી રિંગ રોડ પર ટોલ ટેક્સ વસૂલશે. નવી ટેન્ડર જોગવાઈ મુજબ, રોડ બનવતી કોન્ટ્રાક્ટર કંપનીઓને દર છ મહિને એન્યુઈટી ચૂકવવામાં આવશે.
હાલની કન્સેશન કંપનીનો ટોલ કલેક્શનનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2026ના રોજ સમાપ્ત થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે પેસેન્જર ફોર-વ્હીલરને ટેક્સમાંથી મુક્તિ મળશે કે કેમ તે અંગેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા પછીથી લેવામાં આવશે.
આ વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ, ઔડા દ્વારા 76 કિલોમીટરના એસી રીંગ રોડને સિક્સ લેન બનાવવા માટે ₹2,200 કરોડના બે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. હવે બિડ ખુલતા, કોન્ટ્રાક્ટ ટૂંક સમયમાં ફાળવવામાં આવે તેવી અપેક્ષા છે.
આપણ વાંચો: ગુજરાતના શહેરોના ઝડપી વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય, 1203 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી
પ્રોજેક્ટના પેકેજ 1 માં શહેરના પૂર્વ વિસ્તારમાં રોડના 37 કિલોમીટરના સ્ટ્રેચને સિક્સ લેન બનાવવાનો સમાવેશ થાય છે, જ્યારે પેકેજ 2 માં પશ્ચિમ ભાગમાં 39.25 કિલોમીટરના સ્ટ્રેચને સિક્સ લેન બનાવવાનો સમાવેશ થાય છે. 34 કિલોમીટરના ટુ-લેન સર્વિસ રોડને ફોર-લેન અને 15 કિલોમીટરના થ્રી-લેન સર્વિસ રોડને ફોર-લેન સુધી પહોળો કરવાનો પણ નિર્ણય લેવાયો હતો.
બે અલગ અલગ ટેન્ડર બહાર પાડ્યા હતા
સૂત્રોએ જણાવ્યું કે, ઔડાએ હાઈબ્રિડ એન્યુઈટી મોડલ પર બે પેકેજ માટે બે અલગ-અલગ ટેન્ડર બહાર પાડ્યા હતા. નવ કંપનીઓએ એક પેકેજ માટે અને 11 કંપનીઓએ બીજા માટે બિડ કરી હતી. બંને પેકેજ માટેની બિડ ખોલી દેવામાં આવી છે અને કોન્ટ્રાક્ટ ટૂંક સમયમાં અંતિમ કરવામાં આવશે.
આપણ વાંચો: અમદાવાદમાં આસારામના આશ્રમ પર બુલડોઝર ચાલશે? જાણો સરકાર કેમ કરી રહી છે વિચાર
સિક્સ લેન રોડ બનાવાનો 60 ટકા ખર્ચ કોન્ટ્રાકટર ભોગવશે
ટેન્ડરની જોગવાઈઓ અનુસાર, સિક્સ લેન રોડ બનાવવાના કુલ ખર્ચના 60 ટકા કોન્ટ્રાક્ટર અને ઔડા બાકીના 40 ટકા ભોગવશે. નવા ટોલ બૂથ પણ બનાવવામાં આવશે અને ઔડા 15 વર્ષ માટે સુધારેલો ટોલ ટેક્સ વસૂલ કરશે. ટેન્ડર ફોર્મ્યુલા મુજબ, ટોલ ટેક્સની આવકમાંથી ચોક્કસ રકમ કોન્ટ્રાક્ટર કંપનીઓને દર છ મહિને એન્યુઈટી તરીકે ચૂકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઔડાએ 2006માં બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર ધોરણે એસપી રીંગ રોડ બનાવ્યો હતો. ટ્રાફિક વધતા, તેને સિક્સ લેન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 2017માં વિસ્તરણ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને પછીથી તેને મંજૂરી આપવામાં આવી હતી.
ઓક્ટોબર 2017માં ઔડાએ તેના અધિકારક્ષેત્ર હેઠળના એસપી રીંગ રોડ પર પેસેન્જર ફોર-વ્હીલરને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપી હતી. ઔડા આ આવકના નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીને વાર્ષિક ₹40 થી 50 કરોડ ચૂકવે છે.