અમદાવાદ

ગુજરાતમાં હવે ઈન્ટેલ પ્રોડક્સ બનશે, ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે કર્યા કરાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવાના એક મોટા પ્રયાસમાં, ટાટા ઇલેક્ટ્રોનિક્સે ગુજરાત અને આસામમાં ચિપમેકરના પરીક્ષણ અને પેકેજિંગ કરવા માટે ઇન્ટેલ સાથે એમઓયુ પર સાઈન કર્યા હતા. ટાટા ગ્રુપ આ સેમિકન્ડક્ટર યુનિટ્સમાં 14 યુએસ બિલિયનનું રોકાણ કરી રહ્યું છે.

આસામમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સની ચિપ-ટેસ્ટિંગ સુવિધા આવતા વર્ષના બીજા ક્વાર્ટર સુધીમાં કાર્યરત થઈ જશે, જ્યારે ગુજરાત ફેબ્રિકેશન પ્લાન્ટ 2027 સુધીમાં ચિપનું ઉત્પાદન શરૂ કરવાનું આયોજન છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ અંગે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે ટાટા ગ્રુપ ભારતમાં એક મજબૂત સેમિકન્ડક્ટર ઉદ્યોગ વિકસાવવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે. અમે ઇન્ટેલ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ અને આ જોડાણને લીધે અમારા પ્રયાસોને વેગ મળશે. સાથે મળીને, અમે એક વિસ્તૃત ટેકનોલોજી ઇકોસિસ્ટમ ચલાવીશું અને અગ્રણી સેમિકન્ડક્ટર અને સિસ્ટમ સોલ્યુશન્સ પહોંચાડીશું.

ઇન્ટેલ કોર્પોરેશનના સીઇઓ લિપ-બુ ટેને જણાવ્યું હતું કે ઇન્ટેલની ટેકનોલોજીએ કમ્પ્યુટિંગમાં દાયકાઓથી પ્રગતિ કરી છે. અમે આ જોડાણને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા કમ્પ્યુટ બજારોમાં ઝડપથી સ્કેલ કરવા માટે ટાટા સાથે સહયોગ કરવાની એક જબરદસ્ત તક તરીકે જોઈએ છીએ, જે ભારતમાં વધતી જતી પીસીની માગણી અને એઆઈને અપનાવવાની તકોને ઝડપથી ભારતમાં વિકસાવશે.

ભારત સરકાર પહેલાથી જ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ચિપ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. ટાટા અને ઇન્ટેલ વચ્ચેની આ ભાગીદારી આ મિશનને મજબૂત બનાવશે.

જો આ યોજના સફળ થશે, તો ભારત આગામી વર્ષોમાં અદ્યતન ચિપ્સ અને AI-તૈયાર લેપટોપનું ઉત્પાદન શરૂ કરશે, જેનાથી દેશ વધુ ટેકનોલોજીકલ રીતે આત્મનિર્ભર બનશે.

આ ભાગીદારી ભારતમાં AI આધારિત લેપટોપનું ઉત્પાદન પણ કરી શકે છે. આનાથી સામાન્ય ગ્રાહકો અને ઓફિસો અને કંપનીઓ બંનેને ફાયદો થશે. દેશમાં નવી ફેક્ટરીઓ ખુલવાથી હજારો લોકોને રોજગાર મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત, ટેકનિકલ તાલીમ અને કૌશલ્ય વિકાસને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

ભવિષ્યમાં, ભારત વિશ્વના મુખ્ય કમ્પ્યુટર બજારોમાં મજબૂત સ્થાન ભારત મેળવી શકે છે તેમ નિષ્ણાતો જણાવે છે. ગુજરાતના સાણંદમાં દેશની પહેલું સેમી કન્ડક્ટર યુનીટ શરૂ થયું છે. ગુજરાત સેમી કન્ડક્ટર પોલિસી પણ બહાર પાડી છે અને વિશ્વના અલગ અલગ રોકાણોને આકર્ષવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button