અમદાવાદમાં મોબાઈલ પર વાત કરવી પડી ભારે, પણ હેલ્મેટે યુવકનો જીવ બચાવ્યો: જુઓ વાયરલ વીડિયો! | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં મોબાઈલ પર વાત કરવી પડી ભારે, પણ હેલ્મેટે યુવકનો જીવ બચાવ્યો: જુઓ વાયરલ વીડિયો!

અમદાવાદ: ફરજિયાત હેલ્મેટના કાયદાના વિરોધના સમાચારની વચ્ચે અમદાવાદમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને જિંદગીને બચાવવામાં હેલ્મેટની શું ભૂમિકા રહેલી છે તેની જાણ થાય છે. જો કે ચાલકની બેદરકારી તેનો જીવ લઈ શકે તેમ હતી પરંતુ હેલ્મેટના કારણે હેમખેમ બચી ગયો હતો.

મળતી વિગતો અનુસાર, એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઓવરબ્રિજ પરથી મોપેડ લઈને પસાર થઈ રહેલો યુવાન એકદમ બેદરકારી દાખવીને વાહન ચલાવી રહ્યો છે. તે ઓવરબ્રિજ પસાર કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો છે અને આ દરમિયાન જ તે મોપેડ પરથી કાબૂ ગુમાવી દે છે અને ઊંધેકાંધ નીચે પટકાય છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો કારના ડેશકેમમાં કેદ થયો હતો અને હાલ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઓવરબ્રિજ પર અનેક વાહનો પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન મોપેડ લઈને જઇ રહેલ યુવક મોબાઈલમાં મથી રહ્યો હોય તેમ દેખાઈ રહ્યો છે. ત્યારે આ યુવક અચાનક રોડ પર પટકાય છે જેનો વીડિયો અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “હેલ્મેટ જીવનરક્ષક છે પરંતુ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે.”

દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યમાં ટ્રોમાના કેસમાં વધારો થયો હતો. એક રિપોર્ટ પ્રમાણે, માર્ગ અકસ્માતના કુલ કિસ્સામાં 70 ટકા કિસ્સામાં માથાની ઈજા હોય છે. તેનાથી વધુ ચિંતાજનક બાબત ગંભીર ઈજાવાળા 30 ટકા દર્દીના મોત થયા હતા. તહેવારોના સમયગાળા દરમિયાન ટ્રોમાની ઘટનાઓમાં વધારો ચિંતાજનક છે. નિષ્ણાતો હવે આગામી દિવાળી અને નવા વર્ષની ઉજવણી માટે વધુ સાવચેતી રાખવા વિનંતી કરી રહ્યા છે.

ઈએમઆરઆઈ-108ના મુજબ, 2024માં, દિવાળી દરમિયાન ટ્રોમાની ઘટનાઓ 84 ટકા વધી હતી. સામાન્ય દિવસોના 883 કેસોની સરખામણીએ 1627 કેસ નોંધાયા હતા. વાહનો સંબંધિત ટ્રોમામાં 96 ટકાનો વધારો થયો હતો, જ્યારે બિન-વાહનો સંબંધિત ઘટનાઓમાં 70 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અગાઉના વર્ષોમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જેમાં દિવાળી દરમિયાન ટ્રોમાના કેસોમાં 52 ટકાનો વધારો થયો હતો, જેમાં વાહનો સંબંધિત ઘટનાઓમાં 56 ટકાનો વધારો થયો હતો.

ચાલુ વર્ષે દિવાળીના દિવસે ટ્રોમાની ઘટનામાં 83.74 ટકા, નવા વર્ષના દિવસે 131.19 ટકાનો અને ભાઈ બીજના દિવસે 62.76 ટકા વધારો થવાની શક્યતા છે. જ્યારે અકસ્માતની સંખ્યામાં દિવાળીના દિવસે 65.31 ટકા, નવા વર્ષે 39.18 ટકા અને ભાઈ બીજ પર 14.49 ટકા વધારો થવાની શક્યતા છે.

સૂત્રોના મતે, આ અકસ્માતો મોટે ભાગે બેદરકારીને કારણે થતા અટકાવી શકાય તેવા કેસો છે. મૃત્યુના કિસ્સાઓમાં 16 થી 40 વર્ષની વયજૂથના લોકોનું સૌથી વધુ પ્રમાણ હતું. તેમના મૃત્યુના બે મુખ્ય કારણો ઓવર સ્પીડ અને હેલ્મેટ ન પહેરવું હતા. વડીલોની સરખામણીએ યુવાનોમાંગંભીર ઈજાનું પ્રમાણ વધુ હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button