એસવીપી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે 125 હેક્ટરમાં બનશે, અમદાવાદ-ગાંધીનગરના પાંચ ગામનો સમાવેશ

અમદાવાદઃ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા મૂકવામાં આવ્યો છે. આ કંપની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ કાર્યરત છે.
આ પ્રસ્તાવિત મેગા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં લગભગ 125 હેક્ટર જમીનનો સમાવેશ થાય છે. કુલ બિલ્ટ-અપ બાંધકામ ક્ષેત્ર 150,000 ચોરસ મીટરથી વધુ થઈ શકે છે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
આ પ્રોજેક્ટ માટે નક્કી થયેલી જમીન અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના આચર, ભાટ, હાંસોલ, કોટેશ્વર અને મોટેરા ગામોની છે. આ પ્રોજેક્ટને લીધે લગભગ 814 પરિવારોનું વિસ્થાપન થશે, આથી આ સંદર્ભમાં, ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. એસવીપી સ્પોર્ટ્સ એન્ક્લેવને આ ગેમ્સ માટેનું સૌથી મહત્વનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બની રહેશે. આ સાથે શહેરના નારણપુરા વિસ્તારમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ મહત્વની ફેસિલિટી સાબિત થશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.



