Republic Day : જામનગરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બે દિવસ સૂર્યકિરણ એરોબેટિક ટીમ એર શો કરશે
અમદાવાદઃ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની(Republic Day)ઉજવણી નિમિત્તે જામનગરમાં 25 અને 26 જાન્યુઆરીએ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજવામાં આવશે. જેના રિહર્સલ કરતા હોય તેવો એક વીડિયો માહિતી વિભાગે શેર કર્યો હતો. આ શોમાં સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક જેટ વિમાનો દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા સાહસિક દાવપેચ રજૂ કરવામાં આવશે.
ડીએનએના માળખા જેવી રચના બનાવશે
જામનગરમાં આ એર શો દરમિયાન ખાસ આકર્ષણ તરીકે ડીએનએ દાવપેચનું પ્રદર્શન કરવામાં આવશે, જેમાં વિમાનો આકાશમાં ડીએનએના માળખા જેવી રચના બનાવશે. 1996માં સ્થાપિત આ ટીમ એશિયામાં એકમાત્ર 9 વિમાનોની એરોબેટિક ટીમ છે. ગ્રુપ કેપ્ટન અજય દાશરથીના નેતૃત્વમાં 14 કુશળ પાયલોટ્સની આ ટીમે અત્યાર સુધીમાં 700થી વધુ શો કર્યા છે.
Also read:પ્રજાસત્તાક દિવસ પર આ વખતે કર્તવ્ય પથ પર જોવા મળશે મહિલાઓનો દબદબો
ભવ્ય એર શો એક અદ્ભુત આકર્ષણ બની રહેશે
તાજેતરમાં, સૂર્યકિરણ ટીમના હોક એમકે 132 એરક્રાફ્ટમાં રંગીન ધુમાડો ઉત્પન્ન કરવામાં સક્ષમ સ્મોક પોડ્સનું ઇન્ટીગ્રેશન કરવામાં આવ્યું છે. આ એડવાન્સમેન્ટ ભારતીય વાયુસેનાના બેઝ રિપેર ડેપો, નાસિક ખાતે વિકસાવવામાં આવી હતી અને ટીમને તેમના હવાઈ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજના રંગો કેસરી, સફેદ અને લીલો આકાશમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.જામનગરવાસીઓ માટે આ ભવ્ય એર શો એક અદ્ભુત આકર્ષણ બની રહેશે.