ગુજરાતમાં દ્વારકા અને પ્રાંતિજ નજીક અકસ્માતની ઘટના; સુરતથી ઉદયપુર જતી બસનું ટાયર ફાટતા આગ…
અમદાવાદઃ ગુજરાતમાં આજે અલગ-અલગ બે અકસ્માતની ઘટના સર્જાય છે. પ્રથમ બનાવમાં દ્વારકા નજીક આજે સવારે એક ખાનગી બસ પલટી ગઇ હતી. જેમાં સવાર આશરે 20 જેટલા મુસાફરને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે બીજી ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ટોલનાકા પાસે વહેલી સવારે સુરતથી ઉદયપુર જતી લકઝરી બસમાં ટાયર ફાટ્યા બાદ આગ લાગી હતી.
આ પણ વાંચો : મેડિકલ કોલેજોમાં રેગિંગ કરનારા વિદ્યાર્થીઓ સામે હાઈકોર્ટનું આકરૂ વલણ જોતા અરજદારે અરજી પાછી ખેંચી
દ્વારકામાં ખાનગી બસ પલટી મારી
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના સમયે દ્વારકા નજીક ખાનગી બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર આશરે 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર દ્વારકા-પોરબંદર માર્ગ પર કુરંગા ચોકડી નજીક આવેલા એક સી.એન.જી. પંપની નજીક ખાનગી લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર પૈકીના 15 થી 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો ગત મોડી રાત્રે એક ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા. દરમિયાન આજે દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા હતા. ત્યારે દ્વારકાથી અંદાજે 15 કિલોમીટર દૂર કુરંગા ચોકડી નજીકના ભયજનક વળાંકમાં ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ખાનગી લકઝરી બસ રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી.
લકઝરી બસનું પાછળનું ટાયર ફાટ્યું
બીજી ઘટનામાં સુરતના અડાજણ વિસ્તારમાંથી 40 લોકો લકઝરી બસમાં બેસીને રાજસ્થાનના ઉદયપુર લગ્ન પ્રસંગમાં જતા હતા. દરમિયાન શનિવારે સવારે પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસે અચાનક લકઝરી બસનું પાછળનું ટાયર ફાટ્યું હતું. ત્યાર બાદ અચાનક બસમાં આગ લાગી હતી. જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો : Mahakumbh 2025: મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા ગુજરાતમાંથી દોડશે 3 વન વે સ્પેશિયલ ટ્રેન…
ફાયર વિભાગે આગ બુઝાવી
જોકે સમયસૂચકતાથી તમામ મુસાફરો બસ બહાર નીકળી ગયા હતા. મુસાફરોની સામે જોતજોતામાં લકઝરી બસ આગમાં લપેટાઈ ગઈ હતી. ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરતા ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ બુઝાયા બાદ પ્રાંતિજ અને હાઇવે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સંચાલન કરી પૂર્વવત કર્યો હતો.