દિવાળી, છઠપૂજા અને બિહારની ચૂંટણીને લીધે સુરત કાપડ ઉદ્યોગને ફટકો, ઉત્પાદનમાં ઘટાડો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ટેક્સટાઈલ્સ હબ કહેવાતા સુરતમાં હાલમાં મોટાભાગના ટેક્સટાઈલ્સ એકમો લગભગ અડધી ક્ષમતાએ કામ કરી રહ્યા છે. આનું મુખ્ય કારણ દિવાળી અને છઠ પૂજાના તહેવારો અને ત્યારબાદ યોજાયેલી બિહારની ચૂંટણી હોવાનું જાણવા મળ્યું છે.
દિવાળી અને છઠ પૂજા નિમિત્તે ઘણી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનમાં બિહારીઓ પોતાને ગામ ગયા હતા. તહેવારો બાદ બિહારમાં બે તબક્કામાં ચૂંટણી પણ યોજાઈ હતી, જેને લીધે પણ ઘણા બિહારી કામદારો પોતાને ગામ જ રોકાયા હતા. હવે તેઓ ધીમે ધીમે પરત આવી રહ્યા છે, આથી સુરતના કાપડ ઉદ્યોગના કામની ગતિ ધીમી થઈ ગઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
આપણ વાચો: ત્રણ સબ્સિડી અને મહિલાઓનું હીતઃ જાણો ગુજરાતની નવી ટેક્સટાઈલ્સ પોલિસીમાં શું છે?
મોટેભાગે ડાઈંગ અને પ્રિન્ટિંગ, પેકેજિંગથી માંડી માલસામાન લઈ જવા અને ટેમ્પો ચલાવવા સુધીનું કામ બિહારી કામદારો કરે છે, જે ખૂબ જ મોટી સંખ્યામાં છે. તેઓ ન હોવાથી ઘણા એકમો 50થી 60 ટકાની ક્ષમતામાં કામ કરી રહ્યા હોવાનું અહીંના વેપારીઓ જણાવી રહ્યા છે.
લક્ષ્મીપતિ ગ્રુપના ડિરેક્ટર સંજય સરાવગેએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વખતે વેકેશન ઘણું લંબાઈ ગયું છે. કામદારો ધીમે ધીમે પાછા આવી રહ્યા છે. તેમને ટ્રેન, બસ વગેરે પરિવહનની સેવાઓ ઓછી મળી રહી હોવાથી ન આવી શકતા હોવાનું એક કારણ છે. મોટાભાગના એકમો કામદારોની અછતને લીધે પૂરી ક્ષમતાએ કામ કરી શકતા નથી.
ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશન (ફોસ્ટા)ના પ્રમુખ કૈલાસ હકીમે મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે દિવાળી, છઠ અને ચૂંટણીને લીધે બિહારી કામદારો ધીમે ધીમે પરત આવી રહ્યા છે. આને લીધે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ ઘટાડો 30થી 40 ટકા છે. અમુક યુનીટ્સમાં કામદારો ઓવરટાઈમ કરે છે.
આપણ વાચો: એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલ બનશે ભાજપના પ્રમુખઃ આવતીકાલથી પદ સંભાળે તેવી શક્યતા
તેમણે જણાવ્યું હતું કે કામદારો નથી તે સાથે માર્કેટમાં હજુ એટલી માગ પણ વધી નથી. આથી એકવાર પૂર્ણ ક્ષમતામાં કામ શરૂ થશે ત્યારે ઉત્પાદન અને માગ બન્નેનો રેશિયો જળવાઈ રહેશે. તેમના જણાવ્યા અનુસાર ડાઈંગ અને પ્રિન્ટિંગના સુરતમાં કુલ 500 યુનીટ્સ છે અને 3000 જેટલા ડિજિટલ મશીન છે, જેમાં મોટે ભાગે બિહારથી આવેલા કામદારો કામ કરે છે.
આ યુનીટ્સ ધીમે ધીમે કામ કરી રહ્યા છે. જોકે હાલમાં ઉત્પાદન ભલે ઓછું હોય, પરંતુ તેનાથી બહુ મોટો ફટકો પડશે, તેમ કહી શકાય નહીં, તેમ પ્રમુખે જણાવ્યું હતું.
આ અંગે રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તર અને પૂર્વ ભારતમાંથી નિમયિત રીતે આવતી 60 કરતા વધારે ટ્રેન ઉપરાંત નવેમ્બર મહિનામાં આ 200 જેટલી ફેરી ટ્રેન કરે છે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ વગેરેથી આવતી ટ્રેનનો સમાવેશ થાય છે.
સુરત કાપડ ઉદ્યોગ દિવાળી દરમિયાન 20 દિવસ બંધ રહે છે. અહીં કામ કરતા તમામ પરપ્રાંતિય કામદારો પોતેન વતન જાય છે. બિહારીઓ પણ તેમા મોટી સંખ્યામાં છે. સુરતથી ખાસ ટ્રેન બિહાર જાય છે, જેમાં હજારોની સંખ્યામાં બિહારવાસીઓ પોતાને વતન જતા હોય છે. હવે પરત આવવા માટે તેમને ટ્રેનસેવા કે અન્ય પરિવહનની સેવાઓ ઓછી પડે છે અને આથી તેઓ ધીમે ધીમે પરત ફરી રહ્યા છે.
આ વખતે બિહારની ચૂંટણી હોવાથી મત આપીને હવે બિહારી કામદારોનું વેકેશન લંબાઈ ગયું છે, જેને લીધે કાપડ ઉદ્યોગના ઉત્પાદનને ઘણી અસર થઈ હોવાનું ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય વેપારીઓએ જણાવ્યું હતું.



