
અમદાવાદઃ સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે આનંદના સમાચાર છે. પહેલા આ લોકોએ અમદાવાદ-વડોદરા આવવું પડતું હતું. પરંતુ હવે સી લિંક પરિયોજનાથી તેની જરૂર નહીં પડે. દહેજ-ભાવનગર વચ્ચે સી લિંક યોજનાને મંજૂરી મળી ગઈ છે. સૌરાષ્ટ્રથી સુરત માત્ર 3 કલાકમાં અને મુંબઈ 6 કલાકમાં પહોંચી શકાશે.
ગુજરાતની પ્રથમ રેલવે સી લિંક યોજના
ભરૂચમાં દહેજ અને ભાવનગર વચ્ચે દરિયાઈ માર્ગ પર બનનારા આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મુંબઈ સીધા જોડાશે. આ ગુજરાતની પ્રથમ રેલવે સી લિંક યોજના છે. હાલ ભાવનગરથી સુરત 530 કિલોમીટરનું અંતર કાપવામાં 9 કલાક લાગે છે, આ યોજના પૂરી થયા બાદ અંતર ઘટીને 160 કિલોમીટર થઈ જશે અને માત્ર 3 કલાક જ લાગશે. સૌરાષ્ટ્રથી મુંબઈ સુધી યાત્રા કરવામાં 13 કલાક લાગે છે. જે ઘટીને હવે 8 કલાક રહી જશે. બીજી બાજુ દહેજથી પોરબંદર-દ્વારકા ઓખા સુધી 924 કિલોમીટર લાંબી રેલવે લાઇન હતી.
નવી રેલવે લાઇનથી સૌથી મોટો ફાયદો સૌરાષ્ટ્રના મુસાફરોને થશે. આ લોકોને અમદાવાદ, વડોદરા અને આણંદ સુધી આવવા માટે 500 કિમીનું અંતર કાપવું પડતું હતું. આ યોજના બાદ વધારાનું અંતર નહીં કાપવું પડે. ભાવનગરથી સી લિંક રેલમાર્ગ દહેજ થઈને સીધો ભરૂચ પહોંચશે અને ત્યાંથી સુરત-મુંબઈનું અંતર માત્ર 6 કલાકમાં કાપી શકાશે.
આ પણ વાંચો…Surat માં રૂ.500ના દરની 9 હજારની ડુપ્લીકેટ ચલણી નોટ ઝડપાઈ, બે લોકોની ધરપકડ
ગુજરાતમાં પ્રથમ 40 કિલોમીટર સી લિંક યોજનામાં દહેજ, જંબુસર, ખંભાત, ધોલેરા, ભાવનગર, મહુવા, પીપાવાવ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા સામેલ છે. આ યોજનાથી ભાવનગરથી મુંબઈનું વર્તમાન અંતર 779 કિમી ઘટીને 370 કિમી થઈ જશે. રાજકોટથી મુંબઈનું વર્તમાન અંતર 812 કિમી ઘટીને 490 કિમી થઈ જશે. હાલ વડોદરા-અમદાવાદ માર્ગેથી મુંબઈથી જામનગર, ભાવનગર અને રાજકોટ સુધી અંતર કાપવા માટે 12 કલાક લાગે છે. દહેજ-ભાવનગર રેલવે દરિયાઈ લિંકથી સમય ઘટીને માત્ર 5થી 7 કલાક થઈ જશે.