
અમદાવાદ: પૂર્વ મંત્રી અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીને સુપ્રીમ કોર્ટે એક મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 400 કરોડના કથિત ફિશરીઝ કૌભાંડમાં ચાર્જમુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કથિત કૌભાંડમાં કુલ 58 ડેમના ફિશીંગ કોન્ટ્રાક્ટ કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વગર સહકારી જૂથોને આપવાનો આરોપ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી.
400 કરોડ રૂપિયાનું કૌભાંડ
દિલીપ સંઘાણી સાથે સંકળાયેલો આ કેસ મૂળ વર્ષ 2008નો છે, જે સમયે દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકી ગુજરાત સરકારમાં મંત્રી હતા. આ કેસમાં 58 ડેમના ફિશિંગ કોન્ટ્રાક્ટ કોઇપણ ટેન્ડર પ્રક્રિયા વિના જ માછીમારીના કોન્ટ્રાક્ટ આપવાનો આક્ષેપ હતો. આ કેસમાં કથિત 400 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ હતો. વર્ષ 2012માં બંને મંત્રીઓની સામે ભ્રષ્ટાચાર તપાસની માંગ ઉઠી હતી અને તત્કાલીન રાજ્યપાલ કમલા બેનિવાલે તપાસને મંજૂરી આપી હતી. આ કેસની તપાસમાં એસીબીએ પુરષોત્તમ સોલંકીને મુક્ત કર્યા હતા જ્યારે દિલીપ સંઘાણી પરના આક્ષેપો સાબિત થતાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં ગાંધીનગર વિશેષ અદાલતે બંને મંત્રીઓ અને 6 સરકારી કર્મચારીઓ પર કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ બંને મંત્રીઓએ તેમના વિરુદ્ધની કાર્યવાહી પર સ્ટે મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જો કે હાઇકોર્ટે તેમને કોઇ રાહત નહોતી આપી અને તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી. જો કે કોર્ટે કાર્યવાહી પર ચાર અઠવાડિયાનો સ્ટે આપ્યો હતો. ત્યારબાદ જામનગર ખાતેની એક સભામાં દિલીપ સંઘાણીએ અદાલતની કાર્યવાહી પર ટિપ્પણી કરતાં તેને અદાલતી તિરસ્કાર ગણીને તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…દ્વારકાના પ્રાચીન મંદિરમાંથી શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો, ભત્રીજીને સપનું આવ્યું અને…
આ કેસમાં એસીબીએ સાડા ત્રણસો પાનાનો અહેવાલ તૈયાર કર્યો હતો. આ કેસની કાર્યવાહી અને તેની તપાસને અટકાવવા માટેની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધો હતી. ગુજરાત હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જો કે હવે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે ડિસ્ચાર્જ અરજી ફગાવ્યા બાદ આ સ્ટે આપવામાં આવ્યો હતો.