ગુજરાતના સુપરકોપ અભય ચુડાસમા આજથી નિવૃત્ત, શું રાજકારણમાં ઝંપલાવશે?

અમદાવાદઃ ગુજરાત સરકારના સુપરકોપ ગણાતા આઈપીએસ અધિકારી અભય ચુડાસમા આજે 31મી ઑક્ટોબરે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે સ્વૈચ્છિક રાજનામું દસ મહિના પહેલા જ આપી દીધું હતું, જે સ્વીકારાયું ન હતું. આજે તેમની વય પૂરી થતા હવે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. અભય ચુડાસામા હાલમાં ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ, ગાંધીનગરમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
ગૃહ વિભાગ દ્વારા 30 ઓક્ટોબર 2025ના ગુરૂવારના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું. જે અનુસાર ગુજરાતની 1999ની બેંચના IPS અધિકારી અભય ચુડાસામાને નિવૃત્તિની વય પૂર્ણ થતાં 31 ઓક્ટોબર, 2025ના રોજ કાર્યાલય સમય બાદ ભારતીય પોલીસ સેવામાંથી નિવૃત્તિ માટે મંજૂરી આપવામાં આવી છે. આ અંગેની સૂચના ગુજરાતના રાજ્યપાલના નામે અને તેમના આદેશ અનુસાર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ દ્વારા બહાર પાડવામાં આવી છે.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ સાથે જોડાયેલા હતા
આઈપીએસ તરીકે અભય ચુડાસમાએ ઘણા મહત્વના કેસ સાથે જોડાયેલા હતા,જેમાં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનો પણ સમાવેશ થાય છે. ડીવાયએસપી તરીકે તેમની પ્રથમ પોસ્ટિંગ અંકલેશ્વરમાં થઈ હતી. અમદાવાદ ક્રામ બ્રાન્ચ સાથે તેઓ લાંબો સમય જોડાયેલા હતા. જોકે તેમની ઓળખ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે થાય છે.
ખૂબ જ વિવાદાસ્પદ એવા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તેમની ધરપકડ પણ થઈ હતી અને ત્યારબાદ જામીન મળ્યા હતા. તેઓ ત્રણ વર્ષ સુધી નડિયાદની બિલોદરા જેલમાં અને એક વર્ષ મુંબઈની સેન્ટ્રલ જેલમાં રહ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી તેમણે સેવા આપી હતી.
શું હવે રાજકારણમાં જોડાશે?
અભય ચુડાસમા તેમના એક નિવેદન મામલે પણ જાણીતા છે. કારડીયા સમાજના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે આપણા સમાજની જે સંખ્યા છે અને જે તાકાત છે તે અનુસાર આપણા ઓછામાં ઓછા ચાર વિધાનસભ્ય હોવા જોઈએ અને આપણે સરકારમાં પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ, પરંતુ આપણા સમાજમાં એકતાનો અભાવ હોવાને લીધે અને આપણો પર્સનલ ઈગો મોટો થઈ જતો હોવાને લીધે આમ બનતું નથી. ત્યારબાદ તેમના રાજકારણમાં પ્રવેશની ચર્ચાઓ પણ થઈ હતી, પરંતુ તેમણે કોડીનાર ખાતેના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું રાજકારણમાં પ્રવેશવા માગતો નથી, સમાજમાં શિક્ષણ ફેલાવવાની દિશામાં કામ કરીશ. આથી નિવૃત્તિ બાદ હવે તેઓ શું કરશે તે જોવાની પ્રતીક્ષા સૌને રહેશે.
આ પણ વાંચો…ગુજરાતમાં IPS અધિકારીઓ વચ્ચે વિવાદ: મનીષ સિંહે અભય ચુડાસમાને ₹8 લાખ જમા કરાવવા કહ્યું
 
 
 
 


