ગુજરાતમાં વિદ્યાર્થીઓનો પેરામેડિકલમાંથી રસ થયો ઓછો, પાંચ રાઉન્ડ બાદ 31,800 સીટ ખાલી

અમદાવાદઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓને પેરામેડિકલમાંથી રસ ઓછો થઈ રહ્યો તેમ લાગે છે. પાંચમા રાઉન્ડ બાદ પણ રાજ્યમાં પેરામેડિકલની 31,800 સીટ ખાલી રહી હતી.
નર્સિંગ અને ફિઝિયોથેરાપી સહિતના 10 મુખ્ય પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ (જીપીએનએએમઈસી) દ્વારા વર્ષ 2025-26 માટે બેઠક ફાળવણીનો પાંચમો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આ રાઉન્ડમાં કુલ 7,155 ઉમેદવારોએ ચોઇસ ફિલિંગ કરી હતી. તેમની પસંદગીઓના આધારે, 2,833 વિદ્યાર્થીઓને નવી ફાળવણી કરવામાં આવી હતી.જ્યારે 310 વિદ્યાર્થીઓની અગાઉના રાઉન્ડમાંથી બેઠક અપગ્રેડ થઈ હતી. આમ, પાંચમા રાઉન્ડમાં કુલ 3,143 ઉમેદવારોએ પ્રવેશ મેળવ્યો હતો.
11 નવેમ્બર સુધમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા સૂચના
કમિટીના જણાવ્યા મુજબ, કુલ 51,790 બેઠકો માંથી અત્યાર સુધીમાં 20,920 બેઠકો ભરાઈ ગઈ છે, જ્યારે પાંચ રાઉન્ડ પછી પણ 31,870 બેઠકો ખાલી રહી છે. વર્તમાન રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને બેઠકો ફાળવવામાં આવી છે, તેમને 11 નવેમ્બર સુધીમાં તેમના પ્રવેશ કન્ફર્મ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
આ વિભાગોની મોટાભાગની બેઠક ભરાઈ ગઈ
ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ (એએનએમ), નર્સિંગ, જનરલ નર્સિંગ અને મિડવાઇફરી (જીએનએમ), ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ જેવા અભ્યાસક્રમોમાં મોટાભાગની સરકારી બેઠકો ભરાઈ ગઈ હતી.



