
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂને એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાનો વીડિયો આર્યન નામના વિદ્યાર્થીઓ ઉતાર્યો હતો. આર્યન આ ઘટનાને લઈને ખૂબ જ ગભરાયેલો છે. ગુરૂવારે જ આર્યન તેના ગામથી અમદાવાદ આવ્યો હતો. આર્યને આ પહેલા ક્યારે વિમાનને આટલા નજીકથી નહોતું જોયું. અહીં એરપોર્ટ ઘર પાસે જ હતું જેથી વિમાન નજીકથી દેખાઈ રહ્યાં હતાં. આર્યન વિમાનનો વીડિયો બનાવીને ગામમાં તેના મિત્રોને દેખાડવા માંગતો હતો. તેના માટે તેણે આ વીડિયો બનાવ્યો હતો. આર્યનને નહોતી ખબર કે, આ વિમાન ક્રેશ થવાનું છે. વિમાન ક્રેશ થયા બાદ તે ખૂબ જ ગભરાઈ ગયો હતો.
12માં ધોરણમાં ભણે છે
17 વર્ષનો આર્યન 12માં ધોરણમાં ભણે છે. તે કહ્યું કે, દુર્ઘટના બાદ તે ડરી ગયો છે અને ક્યારેય વિમાનમાં નહીં બેસે. તેના વીડિયોમાં ગુરુવાર બપોરે 1.39નો સમય બતાવે છે. આર્યને કહ્યું કે તેણે આ વીડિયો તેના પિતાને મોકલ્યો હતો. કદાચ તેમણે બીજા કોઈને મોકલ્યો હશે.
આ પણ વાંચો: વિજય રૂપાણીએ બે વાર ટિકિટ કેન્સલ કરાવી હતી, પણ વિધિના લેખ ન ટાળી શકાયા…
આટલી નજીકથી ક્યારેય પ્લેન જોયું નહોતું
આર્યનની બહેને જણાવ્યું કે, મારો ભાઈ પ્રથમ વખત અહીં આવ્યો હતો. તે ગામડે રહે છે. આર્યને આટલું નીચેથી પહેલી વખત વિમાન જોયું અને ફોનમાં રેકોર્ડ કરી લીધો. તે ગામડે જઈને મેઘાણીનગર સ્થિત તેના મકાનેથી આટલું નીચે પ્લેન ઉડતું હોવાનું મિત્રોને જણાવવા માંગતો હતો. આર્યનની બહેને કહ્યું, મારો ભાઈ સામાન્ય વીડિયો બનાવતો હતો. પરંતુ દુર્ભાગ્યવશ તે ક્રેશ થઈ ગયું. આર્યને આટલી નજીકથી ક્યારેય પ્લેન જોયું નથી.
પોલીસે શું કહ્યું
અમદાવાદ પોલીસે આર્યનના વીડિયોને લઈ પૂછપરછ કરી હતી. પોલીસે જણાવ્યું કે, વીડિયો બનાવવા પર કોઈની ધરપકડ કરવામાં આવી નથી. મોબાઈલ વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ થયું હતું. વીડિયો બનાવનારે પોલીસને વિવરણ આપ્યું હતું. આર્યન તેના પિતા સાથે સાક્ષી તરીકે નિવેદન નોંધાવવા આવ્યો હતો, બાદમાં તેના સાથે પરત મોકલી દેવામાં આવ્યો હતો. કોઈ વ્યક્તિની ધરપકડ કે અટકાયત કરવામાં આવી નથી.