
અમદાવાદઃ ગુજરાતમાં એક મહિનામાં 228 બાળકો લાપતા બન્યા છે. જેમાથી 171 છોકરીઓ છે, એટલેકે તેમાંથી 75 ટકા છોકરીઓ છે. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુમ થયેલા સગીરોને શોધવા અને ગુજરાત તથા અન્ય રાજ્યોમાં હ્યુમન ટ્રાફિકિંગ રેકેટને તોડી પાડવા રાજ્યવ્યાપી રાઉન્ડ ધ ક્લોક અભિયાન શરૂ કર્યું છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં 22638 થી વધુ લોકો ગુમ થયા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હવે નવેમ્બર 2025 ને ‘રેડ-એલર્ટ’ મહિના તરીકે ચિહ્નિત કર્યો છે.
૪૦ બાળકો અને 188 કિશોરો ગુમ
નવેમ્બર 2025 ના રાજ્ય પોલીસના ડેટા મુજબ, 0-14 વર્ષની વયના 40 બાળકો ગુમ થયા છે, જેમાં 20 છોકરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 15-18 વર્ષની વયના અન્ય 188 કિશોરો ગુમ થયા છે, જેમાંથી 171 છોકરીઓ છે. છેલ્લા 23 દિવસમાં, પોલીસ0-14 વર્ષની વયના 20 બાળકોને શોધવામાં સફળ રહી છે, જેમાં 9 છોકરીઓ અને 11 છોકરાઓ છે. તેમજ 15-18 વર્ષના 91 કિશોરો મળી આવ્યા છે. તેમાં 14 છોકરીઓ અને ૭૭ છોકરાઓ છે. આમ છતાં, ડઝનબંધ છોકરીઓ હજુ પણ લાપતા છે, જેના કારણે માનવ તસ્કરી અને શોષણનો ભય વધી રહ્યો છે.
દૈનિક રિપોર્ટ સબમિટ કરવા આદેશ
CID ક્રાઈમે દરેક પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને સગીર છોકરીઓ પર ખાસ ધ્યાન આપીને ગુમ થયેલા બાળકોને શોધવાનો આદેશ આપ્યો છે. પોલીસ યુનિટોએ હવે દરરોજ કરેલી કામગીરીનો રિપોર્ટ CID ક્રાઈમ હેડક્વાર્ટરને સુપરત કરવો પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “આ હવે માત્ર રૂટિન પોલીસિંગ નથી, આ એક મિશન છે.”
ડાન્સ ગ્રુપ, PG અને જોબ એજન્ટો તપાસના દાયરામાં
CID ક્રાઈમે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સને નીચે મુજબના પાસાઓની તપાસ કરવા નિર્દેશ આપ્યો છે. જેમાં સગીરોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે વિદેશમાં લઈ જતી ડાન્સ ટુકડીઓ, ખોટા વાયદાઓ આપી કિશોરોને લલચાવતા જોબ પ્લેસમેન્ટ એજન્ટો, ઘરેથી ભાગી આવેલા સગીરોને આશરો આપતા PG અને હોસ્ટેલ્સ તથા સગીરોને ઘરકામ માટે રાખતા લોકો સામેલ છે.
મહેસાણામાં છોકરીઓનો છુટકારો
25 ડિસેમ્બરે મહેસાણા બી ડિવિઝન પોલીસે અન્ય રાજ્યોમાંથી લાવી કથિત રીતે દેહવ્યાપારમાં ધકેલી દીધેલી સાત છોકરીઓને મુક્ત કરાવી હતી, જેમને અન્ય રાજ્યોમાંથી લાવી કથિત રીતે દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી. આ છોકરીઓ એક હોટલની અંદર કેદ મળી આવી હતી. આ મામલે FIR નોંધવામાં આવી છે અને હવે તે CID ની મોટી કાર્યવાહીનો ભાગ છે. પોલીસે સગીરોને બંધુઆ મજૂર તરીકે રાખતી સંગઠિત ગેંગ સામે પણ અનેક કેસ નોંધ્યા છે.
વિદેશમાં નોકરીની જાળ ખુલ્લી પડી
આ અભિયાનમાં એક વધતા જતા જોખમનો પણ પર્દાફાશ થયો છે. એજન્ટો કિશોરોને વિદેશમાં સારી નોકરીની લાલચ આપી ફસાવે છે અને પછી તેમને વિદેશી દેશોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે મજબૂર કરે છે.
આપણ વાંચો: ‘ગોલ્ડન’ છેતરપિંડી: રાજકોટ સોનીબજારમાં બંગાળી કારીગર રૂ. 61 લાખનું સોનું લઈને છૂમંતર!



