
અમદાવાદઃ શહેરમાં અત્યાર સુધી પીજીને લગતા કોઇ નિયમો નહોતા. હાલ શહેરની અનેક સોસાયટી, ફ્લેટોમાં પીજી ચાલી રહ્યા છે. જેમાં મારામારી કે સોસાયટીના રહીશો સાથે માથાકૂટ થતી હોવાની ઘટના સામે આવી હતી. પીજીને લઈ વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવી પોલિસી જાહેર કરી હતી. જે મુજબ પીજીને પણ હવે હોસ્ટેલ, લોજિંગ કે બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા હતા. જેના કારણે પીજી ચલાવનાર વ્યક્તિએ પણ હોસ્ટેલને લગતાં જીડીસીઆરના નિયમોનું પાલન કરવું પડશે. જો પાલન ન થાય તો મ્યુનિસિપલ કોર્પોરેશન આવા પીજી બંધ કરાવી દેશે.
હોસ્ટેલ પ્રકારના ઉપયોગ માટે 30 દિવસમાં મ્યુનિ. સમક્ષ સંચાલકોએ અરજી કરવાની રહેશે. જો તેમાં વિકાસ પરવાનગી સહિતની તમામ જોગવાઈઓનું પાલન થતું હોય તો પરવાનગી અપાશે. નહીં તો નિયમો અનુસાર પગલા લેવાશે.
હાલ જે હોસ્ટેલ, લોજિંગ કે બોર્ડિંગ ચાલી રહ્યા છે, તેમણે આ બાંધકામ સમયે લેવાયેલી વિકાસ પરવાનગી તથા બીયુ ફરીથી લેવું પડશે. જે લોકો મ્યુનિ.ની હદમાં હોસ્ટેલ, લોજિંગ કે બોર્ડિંગ ચલાવતા હોય તેમને 30 દિવસમાં મ્યુનિ.માં પરવાનગી લેવી પડશે. જો વ્યક્તિઓ હોમ સ્ટે કરાવતા હોય તેવા લોકોએ હોમ સ્ટેની રાજ્ય સરકારની પોલિસી હેઠળ મંજૂરી મેળવવાની રહેશે અને તે મંજૂરી મ્યુનિ.માં રજૂ કરવાની રહેશે.
આ ઉપરાંત હવેથી કોઈપણ પીજીએ સોસાયટીના એનઓસી વગર ચલાવી શકાશે નહીં. આ જોગવાઈ પીજીના કારણે થતી સમસ્યાઓ સામે સોસાયટીઓને સત્તાવાર અધિકાર આપશે. પીજી ચલાવવા માટે એએમસી દ્વારા ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરીઓ ફરજિયાત કરવામાં આવી છે. આનાથી પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ કે નોકરિયાતોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થશે. હોસ્ટેલની વ્યાખ્યામાં સમાવેશ થતાં હવે પીજી સંચાલકોએ 20 ટકા પાર્કિંગની જોગવાઈનું પાલન કરવું પડશે. આનાથી પાર્કિંગની સમસ્યા હળવી થશે.
આ પણ વાંચો…રહેણાંકની જગ્યામાં મંજૂરી વગર પીજી ચલાવી શકાય નહીંઃ ગુજરાત હાઈ કોર્ટ