અમદાવાદવડોદરા

સોસાયટીના નિયમો સર્વોપરી, હાઈ કોર્ટે વડોદરામાં NOC વગર બંધાયેલી 10 માળની બિલ્ડિંગના બાંધકામ પર લગાવી રોક

અમદાવાદ/વડોદરાઃ ગુજરાત હાઈ કોર્ટે વધુ એક મોટો ચુકાદો આપ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી હોય તો પણ બાંધકામ માટે સોસાયટીનું એનઓસી ફરજિયાત જોઈશે તેમ કહી કોર્ટે વડોદરામાં 10 માળ સુધી બંધાઈ ગયેલી એક બિલ્ડિંગના બાંધકામ પર રોક લગાવી દીધી હતી. કોર્ટે તેના ચુકાદમાં જણાવ્યું કે, ભલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ડેવલપમેન્ટની પરવાનગી આપી હોય પરંતુ સહકારી હાઉસિંગ સોસાયટીના પેટા નિયમોનું ઉલ્લંઘન કરીને અને સોસાયટીનું એનઓસી મેળવ્યા વગર કરવામાં આવેલું બાંધકામ ગેરકાયદેસર છે.

શું છે સમગ્ર મામલો

આ વિવાદ વડોદરાની 60 વર્ષ જૂની ‘અલ્કા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ’ નો છે. અહીં ચાર પ્લોટના માલિકોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પરવાનગી મેળવીને 2024માં બાંધકામ શરૂ કર્યું હતું. સોસાયટીએ આનો વિરોધ કરતા આક્ષેપ કર્યો હતો કે, આ બાંધકામ સોસાયટીના રોડ પર દબાણ કરે છે અને પ્લોટનો ઉપયોગ માત્ર રહેણાંક હેતુ માટે જ કરવાના સોસાયટીના પેટા-નિયમોનું ઉલ્લંઘન કરે છે. સોસાયટીએ વડોદરાની સિવિલ કોર્ટમાં દાવો માંડી સ્ટે માંગ્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ રાહત મળી નહોતી. ત્યારબાદ સોસાયટીએ હાઈ કોર્ટઅરજી કરી હતી.

કોર્ટે શું કહ્યું

કોર્ટે કહ્યું કે, ભલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 2022માં મંજૂરી આપી હોય, પણ બાંધકામ સોસાયટીના નિયમો વિરુદ્ધ છે અને ફરજિયાત એનઓસી વગર કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનની મંજૂરીમાં પણ સોસાયટીનું એનઓસી મેળવવાની શરત સ્પષ્ટપણે લખેલી હતી. ચાર પ્લોટ માલિકોએ 1980ના સોસાયટીના એક ઠરાવનો હવાલો આપી દલીલ કરી હતી કે તેમને મરજી મુજબ બાંધકામની છૂટ અપાઈ હતી. કોર્પોરેશને જણાવ્યું કે આ વિવાદ સોસાયટી અને તેના સભ્યો વચ્ચેનો છે, જોકે તેમણે સ્વીકાર્યું હતું કે મંજૂરી આપતી વખતે સોસાયટીનું એનઓસી મેળવવાની શરત રાખવામાં આવી હતી.

કોર્ટે મંજૂરી પત્રમાં આપેલી શરતોને ધ્યાને લેતા જણાવ્યું હતું કે, સોસાયટીમાં એનઓસી વગર ચાલી રહેલું આ બાંધકામ કાયદેસરની પરવાનગી વગરનું ગણાય, તેથી કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી તેને ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય નહીં. આ ઉપરાંત કોર્ટે સ્પષ્ટ કર્યું કે, કોઈપણ સહકારી હાઉસિંગ સોસાયટીની અંદર કરવામાં આવતું બાંધકામ સોસાયટીના પેટા-નિયમો મુજબ જ હોવું જોઈએ અને તે શરૂ કરતા પહેલા સોસાયટીની પરવાનગી કે સંમતિ મેળવવી જરૂરી છે.

આપણ વાંચો:  જજના PA બનીને આપતો હતો સરકારી નોકરી, અમરેલીમાં લાલચ આપી ₹2.03 લાખની છેતરપિંડી…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button