ભવ્ય લગ્ન કરીન સોશિયલ મીડિયા પર ફોટા-પોસ્ટ મૂક્યાં તો ઈન્કમ ટેક્સની ઝપટે ચડી જશો

અમદાવાદઃ રાજ્યમાં લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી છે. ધનાઢ્ય લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા અઢળક ખર્ચ કરી રહ્યા છે. થોડા સમયથી થીમ બેઝ લગ્નનો ટ્રેન્ડ પણ પાછો ફર્યો છે. જેમાં ચાર્ટર્ડ ફ્લાઇટ્સથી મહેમાનોને લઈ જવામાં આવે છે. આ ઉપરાંત શાનદાર કોસ્ચ્યુમ અને આંતરરાષ્ટ્રીય સ્થળો પર પણ લગ્ન યોજવામાં આવે છે. જોકે આવા લગ્ન ઇન્કમ ટેક્સની રડામાં આવી શકે છે.
ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રો કહે છે કે, અધિકારીઓ આ ઇવેન્ટ્સ પર શાંતિથી નજર રાખી રહ્યા છે. તેથી લગ્નનું આયોજન તમારી આવક સાથે મેળ ખાય તેનું ધ્યાન રાખો. પરિવારો વિદેશી સ્થળો અને એકથી વધારે દિવસની ઉજવણીઓ પાછળ મોટા ખર્ચા કરી રહ્યા હોવાથી, વિભાગ હવે વૈભવી લગ્નો પર વધુ નજીકથી નજર રાખી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ખર્ચ ઘણીવાર વ્યક્તિઓ દ્વારા જાહેર કરાયેલી આવક સાથે મેળ ખાતો નથી.
અહીંયા થતા લગ્નો રડારમાં
દુબઈ, બાલી, ઈસ્તંબુલ, ઈટાલી અને થાઈલેન્ડમાં થતા લગ્નો ખાસ કરીને તપાસ હેઠળ છે. આ ઇવેન્ટ્સમાં વારંવાર કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને તેમાં ટ્રાવેલ એજન્ટ્સ, ઇવેન્ટ પ્લાનર્સ અને વિદેશી હોટેલોને ચૂકવણીઓ સામેલ હોય છે. જ્યારે કોઈ ઇવેન્ટનું કદ પરિવારની નાણાકીય પ્રોફાઇલ કરતાં ઘણું ઊંચું જણાય છે, ત્યારે વિભાગ તે કેસોને ચિહ્નિત કરે છે.
લગ્નની દરેક ક્ષણ પોસ્ટ કરવી ભારે પડી શકે છે
સૂત્રોએ મુજબ, લગ્ન સર્વિસ માટે રોકડ ચૂકવણીમાં વધારો જોયો છે. ઘણા પરિવારો કેટરર્સ, ડેકોરેટર્સ, ફોટોગ્રાફર્સ અને મેક-અપ ટીમોને ડિસ્કાઉન્ટ મેળવવા અથવા GST ટાળવા માટે રોકડમાં ચૂકવણી કરે છે. આનાથી વાસ્તવિક બજેટને ટ્રેક કરવું મુશ્કેલ બને છે. સૂત્રોએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા અમારા માટે એક મોટું સિગ્નલ બન્યું છે. પરિવારો તેમના લગ્નની દરેક ક્ષણ પોસ્ટ કરે છે, અને તે પોસ્ટ્સ ક્યારેક તેમના નાણાકીય રેકોર્ડ કરતાં વધુ બોલે છે.
ઊંચી કિંમતના દાગીનાની ખરીદી પણ લાવી શકે છે શંકાના દાયરામાં
આ ઉપરાંત લગ્નની સિઝન દરમિયાન ઊંચી કિંમતના દાગીનાની ખરીદી પણ શંકા ઊભી કરે છે. ઘણા મોંઘા સોના અને હીરાની ખરીદી રોકડમાં કરવામાં આવી હતી અથવા ઓછી આવક ધરાવતા સંબંધીઓના નામે બિલ કરવામાં આવી હતી. કેટલાક પરિવારોને ભંડોળ ક્યાંથી આવ્યું તે સમજાવવા માટે નોટિસ પણ મળી ચૂકી છે.
ડેસ્ટિનેશન વેડિંગમાં કઈ રીતે થાય છે તપાસ
ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશી ચલણનો ખર્ચ પણ તપાસ હેઠળ આવે છે. વિદેશ જતા પરિવારો ઘણીવાર લક્ઝરી હોટેલો અને પ્લાનર્સને મોટી ચૂકવણી કરે છે, તેથી અધિકારીઓ તપાસ કરે છે કે આ ચૂકવણીઓ લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) દ્વારા થઈ છે કે પછી રિપોર્ટિંગ નિયમોથી બચવા માટે તેને અનેક એકાઉન્ટ્સમાં વહેંચવામાં આવી હતી. જે વેડિંગ પ્લાનર્સ પ્રીમિયમ ડેસ્ટિનેશન વેડિંગ્સનું સંચાલન કરે છે, તેઓ પણ તપાસના દાયરામાં આવી શકે છે. ઘણા તેમની આવકનો માત્ર એક ભાગ કાગળ પર દર્શાવે છે જ્યારે બાકીની રકમ રોકડમાં લે છે.
નાણાકીય તપાસની સાથે, ઇન્કમ ટેક્સ વિભાગે સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર પણ દેખરેખ વધારી દીધી છે. ભવ્ય સમારંભો, ચાર્ટર્ડ ફ્લાઇટ્સ અને લક્ઝરી ડેકોરના ચિત્રો અને વીડિયોને પરિવારોના નાણાકીય પ્રોફાઇલ સાથે સરખાવવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું કે, અમે કોઈને ઉજવણી કરતા રોકતા નથી. પરંતુ જ્યારે લાઇફસ્ટાઇલ જાહેર કરાયેલી આવક કરતાં ઘણી વધારે હોય, ત્યારે અમારે તપાસ કરવી પડે છે.



