સોશિયલ મીડિયા પર એકના ત્રણ ગણા પૈસા કરવાની જાહેરાતથી અંજાયેલા યુવકે ત્રણ લાખ ગુમાવ્યા

અમદાવાદઃ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઓછાં રોકાણ સામે વધુ વળતર આપવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરતી રહેતી કચ્છની કુખ્યાત ટોળકીએ જાળમાં સપડાયેલા વાંકાનેરના યુવકને અંજાર બોલાવી, તેની પાસે રહેલા રોકડા રૂપિયા ત્રણ લાખ બળજબરીપૂર્વક આંચકી લીધા હોવાનો વધુ એક બનાવ બહાર આવતાં ચકચાર મચી હતી.
વાંકાનેરના ૨૫ વર્ષીય મહેન્દ્ર મકવાણા નામના યુવકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં વી_પટેલ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાખ સામે ત્રણ લાખ રૂપિયા મળવાની પોસ્ટ જોઈને તે ઈમ્તિયાઝ અને અન્ય આરોપીઓના સંપર્કમાં આવ્યો હતો.
આપણ વાચો: ડિજિટલ એરેસ્ટના નામે થતી છેતરપિંડી પર EDની લાલ આંખ: હવે સમન્સમાં હશે QR કોડ, આ રીતે કરો ચકાસણી
ઠગ ટોળકીએ તેને અંજાર રૂબરૂ આવી, ખાતરી માટે સેમ્પલની ચલણી નોટનો નમૂનો જોઈ લેવા જણાવ્યું હતું. વિશ્વાસમાં આવી જઈને ગત ૨૦મી ઓક્ટોબરના રોજ ત્રણ લાખ રૂપિયા લઈને તે અંજાર આવ્યો હતો જ્યાં ફોન પર આ આરોપીઓએ પ્રથમ તેને ખાતરી કરવા માટે ભારતીય ચલણી નોટનો નમૂનો આપવાના બહાને અંજારની સરકારી હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો.
ત્યાં પહોંચતા સફેદ રંગની નંબર પ્લેટ વગરની હ્યુન્ડાઇ આઈ-ટ્વેન્ટી કારમાં આવેલા ત્રણે આરોપીઓએ તેને પાંચસોનાં દરની ભારતીય ચલણી નોટ તપાસવા અર્થે આપી અને પરત ચાલ્યા ગયા હતા.
આપણ વાચો: પ્રોવોગ ઇન્ડિયા સાથે 90 કરોડની છેતરપિંડી: ભૂતપૂર્વ ડિરેક્ટર સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો
થોડા સમય બાદ તેને અંજારના દબડા માર્ગ પર બોલાવતાં તે પેસેન્જર રીક્ષા વડે પહોંચ્યો હતો. બાદમાં આરોપીઓએ તેનું બાવડું ઝાલીને કારમાં બેસાડ્યો અને અજાણી ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ લઈ ગયો હતો.
અહીં એક આરોપીએ કારમાં બેઠેલાં ઈમ્તિયાઝ શેઠને ત્રણ લાખ રૂપિયા આપી દેવા જણાવતાં પહેલાં નવ લાખ રૂપિયા આપો તો ત્રણ લાખ રૂપિયા આપું તેમ કહેતાં ઉશ્કેરાયેલી આ ત્રિપુટીએ બળજબરી પૂર્વક તેની પાસે રહેલી ત્રણ લાખ રૂપિયા ભરેલી બેગ મેળવી લઈ, મારી નાખવાની ધમકી આપી આપી, ચાલતી કારમાંથી ધક્કો મારી, બહાર ફેંકીને નાસી છૂટી હતી.
અંજાર પોલીસે ત્રણ અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, તેમને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.



