
Ahmedabad News: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાસણમાં સિંહ દર્શન કર્યા હતા. પીએમ મોદીના આ કાર્યક્રમને લઈ ગુજરાત કોંગ્રેસે કહ્યું, એક તરફ સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયાના નાણાં ફાળવણીની જાહેરાતો કરતી સરકાર બીજી બાજુ સિંહોના વસવાટ વિસ્તારમાં આડેધડ બાંધકામ અને ગેરકાયદેસર ખાણ ખનન મંજુરી આપવા માટે નિયમોમાં સુધારા કરે છે. ગુજરાતની ઓળખ સમા વિશ્વ પ્રસિદ્ધ એશિયાટિક સિંહોના જીવ સાથે સરકારે રમત રમવાનું બંધ કરે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૫૫ એશિયાટીક સિંહોના મૃત્યુ થયા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગીરનું જંગલ એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. એશિયાટીક સિંહોની છેલ્લી હયાત જંગલી વસ્તી માટે ગીર વિશ્વમાં એકમાત્ર લેન્ડસ્કેપ છે. એક તરફ સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયાના નાણાં ફાળવણીની સરકાર જાહેરાતો કરે છે અને બીજી બાજુ ગુજરાતના એશિયાટિક સિંહોના નિવાસસ્થાન નજીક બાંધકામ માટેના વર્ષ ૨૦૧૫ માર્ગદર્શિકામાં સરકાર દ્વારા સુધારો કરી મળતિયાઓને રેસ્ટોરાં, રિસોર્ટ, હોમસ્ટે, ફાર્મહાઉસ અને અન્ય વ્યાપારી સંસ્થાઓ, ગેરકાયદેસર ખાણ ખનન માટે જમીન પધરાવી દેવા જેવી નુકસાનકારક કામગીરી કરે છે.
સોલાર પ્રોજેક્ટ, પવન ચક્કી, મોબાઈલ ટાવર, સફારી પાર્ક સહિતના વિવિધ નિર્ણયથી તો મોટી નુકસાની થઇ જ રહી છે. બેફામ ખાણખનન, ગેરકાયદેસર બંધાકામ તો થતું જ હતું પરતું હવે પોતાના મળતિયાઓના ધંધા સેટ કરવા આખા જંગલ વિસ્તાર અને ગુજરાત રાજ્યની ઓળખ એવા એશિયાટિક સિંહોને ભાજપ સરકાર નુકસાન મોટાપાયે કરી રહી છે. ગુજરાતની રાજ્યની ઓળખ સમા એશિયાટીક સિંહોના જીવ સાથે ભાજપ સરકાર રમત કરવાનું બંધ કરે. અણઘડ સુધારાથી વન્યજીવો અને સંરક્ષિત જંગલ વિસ્તારના નુકસાન થશે તો કોણ જવાબદાર?નવું બાંધકામ વન્યજીવન કોરિડોરને અવરોધિત કરશે. જે માનવ-પ્રાણી તકરારમાં વધારો કરશે અને સિંહોના નિવાસસ્થાનોને ખંડિત કરશે, સિંહોની લડાઈ, સિહોના અન્ય પાલતું જીવો પર હુમલા સહિતની ઘટનાઓમાં વધારો થશે.
આ પણ વાંચો…Gujarat Politics: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખની ક્યારે થશે જાહેરાત?
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૫૫ એશિયાટીક સિંહોના મૃત્યુ થયા, ગુજરાતમા દર વર્ષે સરેરાશ ૧૧૦થી વધુ એશિયાટીક સિંહોના મૃત્યુ થાય છે. વર્ષ ૨૦૧૯માં ૧૧૩, વર્ષ ૨૦૨૦માં ૧૨૪, વર્ષ ૨૦૨૧માં ૧૦૫, વર્ષ ૨૦૨૨મા ૧૧૦ અને વર્ષ ૨૦૨૩માં ૧૦૩ સિંહોના મોત થયા હતા. ગયા મહિને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય નજીક નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન જૂથ દ્વારા પ્રસ્તાવિત ૨૫ મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ વન વિભાગની મંજૂરી મેળવવામાં નિષ્ફળતા બાદ અટકાવી દેવામાં આવ્યો હતો. ભાજપ સરકાર વિકાસના નામે નીતનવા ગતકડાઓ કરવાને બદલે એશિયાટીક સિંહોના અને ગીરના સંરક્ષિત વિસ્તાર સુરક્ષિત રાખવામાં ધ્યાન આપે.
વર્ષ એશિયાટીક સિંહોના મૃત્યુ
૨૦૧૯ – ૧૧૩
૨૦૨૦ – ૧૨૪
૨૦૨૧ – ૧૦૫
૨૦૨૨ – ૧૧૦
૨૦૨૩ – ૧૦૩