રિવરફ્રન્ટ પર સાવધાની રાખજો: પૂરના પાણી ઓસરતા જોવા મળ્યા સાપ, તંત્રએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદને પગલે અનેક નદીઓમાં મોટાપાયે પાણીની આવક થઇ રહી છે. ત્યારે સાબરમતી નદી પણ બે કાંઠે વહી રહી છે, સાબરમતી નદી પરના ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે સાબરમતી નદી પરનો રીવરફ્રન્ટનો ભાગ પાણીમાં ગરકાવ થયો હતો.
જો કે કાલની સરખામણીમાં ઉત્તર ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યું હતું અને આથી સાબરમતી નદીમાં પણ પાણીનો વેગ ઘટતા રીવરફ્રન્ટ સહીતના ભાગ પરથી પાણી ઓસર્યા હતા. સાબરમતી નદીમાં હાલ પાણી છોડવામાં આવતા અનેક જળચરો પણ પાણીના વહેણ સાથે આવી ગયા હતા. આથી સાબરમતી રિવરફ્રંટ પર સાપ દેખાતાં લોકોમાં કૌતુક સર્જાયું હતું અને આ સાપનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ લોકોને હાલ રિવરફ્રંટ ના જવા અને તકેદારી રાખવા તંત્ર તરફથી સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો: સાબરમતી નદીનું જળસ્તર વધ્યું, રિવરફ્રન્ટ સતત બીજા દિવસે બંધ: ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંકટ
ઉલ્લેખનીય છે કે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 66 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં આજે મેઘરાજાએ કચ્છ પર વધારે હેત વરસાવ્યું હતું. સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લાના લખપતમાં 5.55 ઇંચ, રાપરમાં 4.72 ઇંચ, ભાભરમાં 4.29 ઇંચ, ભચાઉમાં 4.13 ઇંચ, નખત્રાણામાં 3.74 ઇંચ, ગાંધીધામમાં 3.74 ઇંચ, ભુજમાં 3.39 ઇંચ, અંજારમાં 2.95 ઇંચ વરસાદ વરસ્યો હતો.
ઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ નર્મદા ડેમ 91 ટકા ભરાયો હતો. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 86.04 ટકા જળસંગ્રહ છે. 101 ડેમ સો ટકા ભરાયેલા છે, જ્યારે 132 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં 64 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 18 ડેમ 50 થી 70 ટકા વચ્ચે અને 12 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યમાં 11 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. 19 ડેમ એલર્ટ અને 14 ડેમ વોર્નિંગ પર છે.