
અમદાવાદઃ શહેરમાં જુલાઈ મહિનામાં મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. છ મહિના પહેલા બનેલી ગોઝારી દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો તથા અન્ય 19 લોકો મળી 260 લોકોના મત્યુ થયા હતા. આ દુર્ઘટના અંગે અમેરિકાની એક લૉ ફર્મના વકીલ માઈક એન્ડ્રુઝે કહ્યું, છ મહિના પૂરા થવા આવ્યા છે છતાં અસંખ્ય પરિવારો હજુ આઘાતમાં છે અને તેઓ નાણાકીય મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે. આ વકીલ હાલ પીડિતોના પરિવારનો મળવા અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈની મુલાકાતે છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પતિના મોત બાદ પત્ની અને બાળકોની થઈ આવી હાલત
યુકેની તેમની તાજેતરની મુલાકાતનો એક કિસ્સો શેર કરતાં તેમણે કહ્યું, અમે લિસેસ્ટરમાં એક પરિવારને મળ્યા હતા. અમે જે મહિલાને મળ્યા તેનો પતિ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યો ગતો. ઘરમાં તે એકલો જ કમાનારો વ્યક્તિ હતી. તેના મૃત્યુ બાદ પરિવારજનોએ સ્થળાંતર કરવું પડ્યું અને તેમના ત્રણ બાળકોએ પરિવારને ટેકો આપવા માટે અભ્યાસ છોડી દીધો છો. આ એક મોટો બદલાવ છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે તેમણે જણાવ્યું કે, વિમાનનો ડેટા મેળવવા માટે યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન સાથે ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ અપીલ કરી છે. સંસ્થા દ્વારા અપીલ સ્વીકારવામાં આવી છે અને ટૂંક સમયમાં જવાબ આપશે તેમ જણાવ્યું છે. શટડાઉનના કારણે અમેરિકામાં બધું બંધ થઈ ગયું હતું પરંતુ હવે ફરી સ્થિતિ સમાન્ય થવા લાગી છે. અમે ફરી વાર રિકવેસ્ટ કરી છે, પરંતુ હજુ સુધી અમને કોઈ માહિતી આપવામાં આવી નથી. યુએસ સત્તાધીશો પાસેથી માહિતી મેળવવા માટે ભારતીય પ્રતિનિધિ મંડળે તાજેતરમાં લીધેલી મુલાકાત ખૂબ પ્રોત્સાહક હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
એક જ વ્યક્તિ રહ્યો હતો જીવીત
ઉલ્લેખનીય છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવીત રહ્યો હતો. ઇમરજન્સી વિન્ડો સીટ પર બેસેલા વિશ્વાસ કુમાર રમેશ નામના વ્યક્તિનો સદનસીબે જીવ બચી ગયો હતો. જોકે, હાલ આ વ્યક્તિ એક માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે. વિમાન દુર્ઘટનાના દિવસને યાદ કરતા વિશ્વાસ કુમાર રમેશ કહે છે કે, “મને લાગે છે કે, હું એ જ ક્ષણોમાં ફસાયેલો છું. રાત્રે ઉંઘ આવતી નથી. જ્યારે મારો ભાઈ ન બચ્યો, તો હું કેમ બચી ગયો? આ પ્રશ્ન હંમેશા મને હંમેશા સતાવ્યા કરે છે.” આમ આ ઘટનાના કારણે તેઓની માનસિક સ્થિતિ પર ઘણી અસર પડી છે.
હાલ વિશ્વાસ કુમાર રમેશ ઇંગ્લેન્ડના લીસેસ્ટરમાં રહે છે, પરંતુ તેઓ કહે છે કે, મારું જીવન સંપુર્ણ રીતે બદલાઈ ગયું છે. રમેશ જણાવે છે કે, “હું મોટાભાગે રૂમમાં એકલો બેસી રહું છું. પત્ની કે દીકરા સાથે વાત કરતો નથી. દીમાગમાંથી એ દિવસ નીકળતો જ નથી. મારો ભાઈ મારો સહારો હતો. તેણે કાયમ મારો સાથ આપ્યો. હવે હું સાવ એકલો પડી ગયો છું. શરીરનું દુ:ખ તો મટી જશે, પરંતુ દિલનું દર્દ હજુ પણ તાજું છે.”
આપણ વાંચો: અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ એરક્રાફ્ટ રનવે પરથી લપસી ગયું



