લગ્નગાળાની શરૂઆત થતાં જ સિંગતેલના ભાવમાં ઉછાળો, ડબ્બે 210 વધ્યાં

અમદાવાદઃ દેવ દિવાળી બાદ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. ડિસેમ્બર, જાન્યુઆરીમાં ઘણા યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. લગ્ન સમારંભના મુખ્ય ખર્ચાઓમાં ભોજનનો ખર્ચ હોય છે. આ ખર્ચમાં વધારો થવાનો છે કારણ કે સિંગતેલના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે.
છેલ્લા 15 જ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 210નો ઉછાળો જોવ મળે છે. અગાઉ રૂ. 2415 આસપાસ મળતો સિંગતેલનો ડબ્બો હવે રૂ. 2625માં મળતો થયો છે, એટલે કે એક પખવાડિયામાં રૂ. 210નો વધારો થયો છે.
આપણ વાચો: મથકો પાછળ સિંગતેલમાં વધુ રૂ. 40નો ઉછાળો…
એક તરફ નવી મગફળીની આવક થઈ રહી છે અને યાર્ડમાં મગફળીના ઢગલા ખડકાઈ ગયા છે ત્યારે સિંગતેલના ભાવમાં આટલા વધારાનું કોઈ સ્વાભાવિક કારણ દેખાતું નથી. અમુક જાણીતી બ્રાન્ડના તેલ રૂ. 3000માં પણ મળી રહ્યા છે.
આજકાલ ઓર્ગેનિક કે સીધું ઘાણીમાંથી તેલ લેવાનું ચલણ વધી રહ્યું છે, તેનો ભાવ પણ વધી ગયો છે. એકસાથે આટલો ભાવ વધતા ઘર-પરિવારમાં ખર્ચાનું ગણિત બગડી ગયું છે.



