રાજકોટમાંથી ચોરી થયેલી ચાંદી અમદાવાદમાંથી ઝડપાઈ, 40 કિલો ચાંદી સાથે બેની ધરપકડ…

અમદાવાદ: રાજકોટના સોના-ચાંદીના વેપારી અતુલ પટેલે પોતાના મિત્ર બીપીનભાઈના ઘરમાં સવાસો કિલો ચાંદી સુરક્ષિત રાખી હતી. જો કે આ 120 કિલો ચાંદીની ચોરી થતા ખળભળાટ મચી ગયો હતો. વેપારીએ આ મામલે રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે ચોરોને પકડવા માટે તપાસ શરૂ કરી હતી.
અંતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે કુલ ચોરાયેલી 120 કિલો ચાંદીમાંથી 40 કિલો ચોરીની ચાંદી સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ચોરીનો માલ મહેસાણામાં વેચવા જઈ રહ્યો હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં બીજા આરોપીને શોધવા એક ટીમ સુરત અને વડોદરા પહોંચી છે.
સવાસો કિલો ચાંદીની ચોરી કરી હતી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ઘર રાજકોટના ચંપકનગર વિસ્તારમાં આવેલું છે. જોકે તસ્કરોને ચાંદી હોવાની માહિતી મળતાં તેમણે બીપીનભાઈના ઘરમાં ઘુસી સવાસો કિલો ચાંદીની ચોરી કરી હતી. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…રાજકોટમાં ફિલ્મી ઢબે કરોડોની લૂંટ: પરિચિતના ઘરે રાખેલું 140 કિલો ચાંદી કારમાં ભરી તસ્કરો ફરાર
ક્રાઈમ બ્રાન્ચે માર્ગમાં ચેકિંગ ગોઠવી કાર્યવાહી કરી
આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરી કરેલી ચાંદીનો જથ્થો મહેસાણા ખાતે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે માર્ગમાં ચેકિંગ ગોઠવી કાર્યવાહી કરી હતી અને 40 કિલો ચાંદી સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.
કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી
પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપી ફરાર છે. જેને પકડવા માટે સુરત અને વડોદરામાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ચોરીના કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.



