સિલિકોસિસ વળતર: ગુજરાત હાઇ કોર્ટનો રાજ્ય સરકારને ઝટકો, કહ્યું- નિર્દેશોનો ભંગ કરશો તો કોર્ટ કન્ટેમ્પ્ટ થશે

અમદાવાદ: સિલિકોસિસ બીમારીથી મૃત્યુ પામેલા કામદારોની વિધવાઓ તરફથી સરકારી વળતર વધારવાની માંગ સાથે ગુજરાત હાઇ કોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં હાઇ કોર્ટે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાને ફગાવી દીધું હતું. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી.એન. રેની ખંડપીઠે શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી તરફથી રજૂ કરાયેલા સોગંદનામાને સ્વીકારવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. હાઇ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સરકારના જવાબમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો કે હુકમનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, સિલિકોસિસથી મૃત્યુ પામનાર કામદારોના આશ્રિતોને રૂ. ત્રણ લાખનું વળતર ચૂકવવાનું નક્કી કરાયું છે અને આ માટે ૧૮-૯-૨૦૨૫ના ઠરાવ મુજબ અરજદારોને વળતર ચૂકવાશે. જોકે, સરકારે સિલિકોસિસગ્રસ્ત કામદારો અને તેમના પરિવારોના પુનર્વસન માટેની પોલિસી આગામી બજેટ સત્રમાં રજૂ કરવાની વાત કરી હતી, જેના પર હાઇ કોર્ટે તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી.
કોર્ટે સરકારને ઝાટકીને કહ્યું હતું કે, “આમાં પોલિસી બજેટ સેશનમાં મૂકવાની ક્યાં વાત આવે છે…? સરકારે માત્ર ઠરાવ સુધારવાની જ જરૂર છે. તમે પોલિસી બનાવી નથી તે વાસ્તવિકતા છે અને હવે બજેટની વાતો કરો છો. તમે આમ કરી માત્ર સમય પસાર કરી રહ્યા હોય એવું જણાઈ રહ્યું છે.”
ખંડપીઠે રાજ્ય સરકારને કડક ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, “જો સિલિકોસિસ કામદારોની બીમારી તથા તેમના આશ્રિતોને વળતર સંદર્ભે સુપ્રીમ કોર્ટે જારી કરેલા નિર્દેશોનો ભંગ કરશો તો, સરકારને અદાલતી તિરસ્કાર (કોર્ટ કન્ટેમ્પ્ટ)ની કાર્યવાહીનો સામનો કરવો પડશે. હાઇ કોર્ટ કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરતાં પણ અચકાશે નહીં. હાઇ કોર્ટે શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને યોગ્ય પોલિસી સાથે નવેસરથી સોગંદનામું રજૂ કરવા ફરમાન કર્યું હતું. આ કેસની વધુ સુનાવણી તા. 15મી ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે.
આપણ વાંચો: સામૂહિક ચિંતન, સામૂહિક પ્રવાસ: રાજ્ય સરકારની ચિંતન શિબિર માટે ‘વંદે ભારત’માં પ્રધાન મંડળનું પ્રસ્થાન



