હેલ્થ એલર્ટ! અમદાવાદના 33 ટકા લોકોમાં ‘સાયલન્ટ કિલર’ રોગનો ખુલાસો

અમદાવાદઃ શહેરમાં એએમસી દ્વારા શુક્રવારે વિવિધ જગ્યાએ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 2,221 વ્યક્તિઓમાંથી 29 ટકા લોકોમાં હાઈ બ્લડ સુગર અને 35 ટકા લોકોમાં હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન) પોઝિટિવ જોવા મળ્યું હતું.
35 ટકાને હાયપરટેન્શન
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 644 લોકોમાં બ્લડ સુગરનું ઊંચું સ્તર જોવા મળ્યું હતું. આ આંકડો લગભગ દર ત્રણ વ્યક્તિએ એક જેટલો થાય છે. જ્યારે, હાયપરટેન્શનથી 772 વ્યક્તિઓ (35 ટકા) પ્રભાવિત જોવા મળી હતી.
આવા વયના લોકોમાં રિસ્ક ફેક્ટર વધારે
સૂત્રોએ ઉમેર્યું કે, આ આંકડા ચિંતાજનક છે. શહેરીજનોએ નિયમિત ડાયાબિટીસ તપાસ અને લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવી જોઈએ. આ ડેટામાં મોટાભાગે 40 વર્ષથી વધુ વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આવા લોકોમાં રિસ્ક ફેક્ટર હોવાની વધુ શક્યતા છે.
શહેરમાં 103 કેન્દ્રો પર તપાસ
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે પુખ્ત વયના લોકોમાં ડાયાબિટીસનો રાષ્ટ્રીય વ્યાપ આશરે 11.4 ટકા છે, પરંતુ અમદાવાદમાં તે 15 થી 18 ટકાની વચ્ચે છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધારે છે. શુક્રવારે વિશ્વ ડાયાબિટીસ દિવસે જાહેર બગીચાઓ, ક્લિનિક્સ અને AMC આરોગ્ય કેન્દ્રો સહિત શહેરભરના 103 કેન્દ્રો પર વિવિધ તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું.



