અમદાવાદમાં આ તારીખથી શરૂ થશે શોપિંગ ફેસ્ટિવલ, મળશે તોતિંગ ડિસ્કાઉન્ટ | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં આ તારીખથી શરૂ થશે શોપિંગ ફેસ્ટિવલ, મળશે તોતિંગ ડિસ્કાઉન્ટ

અમદાવાદઃ એએમસી દ્વારા 12 ડિસેમ્બર, 2025 થી 13 જાન્યુઆરી સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ફેસ્ટિવલની થીમ હેરિટેજ રાખવામાં આવી છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન 35 ટકા સુધીનું જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ફેસ્ટિલ વોકલ ફોર લોકલ અભિયાનને પ્રાથમિકતા અપાશે.

કઈ કઈ ચાર જગ્યાએ યોજાશે ફેસ્ટિવલ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચાર મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સમાં સિંધુ ભવન રોડ, C.G. રોડ, નિકોલ મોર્ડન સ્ટ્રીટ અને કાંકરિયા રામબાગ રોડ રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, ગુર્જરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ સહિત 14 વાઇબ્રન્ટ હોટસ્પોટ અને અમદાવાદ વન મોલ, પેલેડિયમ મોલ, ઇસ્કોન મેગા મોલ, CG સ્ક્વેર અને પેવેલિયન મોલ જેવા મોલમાં ફેલાયેલો આ ફેસ્ટિવલ શહેરને સંસ્કૃતિ અને વાણિજ્યના ગતિશીલ ઉજવણીમાં પરિવર્તિત કરશે.

શોપિંગ ફેસ્ટિવલનો શું છે હેતુ

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025નો ઉદ્દેશ્ય ગુજરાતની શ્રેષ્ઠ હસ્તકલા, આધુનિક ઉત્પાદનો અને સ્થાનિક વિશેષતાઓ દર્શાવતો એક અનોખો શોપિંગ અનુભવ પ્રદાન કરવાનો છે. ગુજરાતના ઉત્પાદનોના બ્રાન્ડિંગ, પ્રમોશન અને સૂચિકરણ માટે એક વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન વિકસાવવામાં આવશે.

મુલાકાતીઓને શહેરના પ્રવાસો અને શોપિંગ હબ સુધી સરળતાથી પહોંચવા માટે બ્રાન્ડેડ AMTS ડબલ-ડેકર ઇલેક્ટ્રિક બસો શોપિંગ ફેસ્ટિવલ પરના રૂટ પર દોડશે. ASF 2025માં સંગીત ઉત્સવ, ફ્લી માર્કેટ, સ્ટેન્ડ-અપ કોમેડી, સ્ટ્રીટ પર્ફોર્મન્સ, ફેશન શો, મેજિક એક્ટ્સ, કવિતા વાંચન અને ગુજરાતી ફિલ્મ સ્ક્રીનીંગ સહિત વિવિધ પ્રકારની આકર્ષક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. રમતગમતના શોખીનો બોટ રેસિંગ, બોક્સિંગ, મેરેથોન, સાયકલિંગ જેવા કાર્યક્રમો તેમજ હેપ્પી સ્ટ્રીટ, રોબો ફાઇટ, ડ્રોન શો અને ફાયર વર્કસનો આનંદ માણી શકશે. ખરીદદારોને વિશિષ્ટ ડિસ્કાઉન્ટ, લકી ડ્રો અને ડિજિટલ કૂપન સાથે આકર્ષક ઇનામોનો લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે યોજાયેલા શોપિંગ ફેસ્ટિવલને લોકોનો જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. લોકોએ મન મૂકીને ખરીદી કરી હતી અને ઓફર્સનો લાભ લીધો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button