અમદાવાદ

અમદાવાદમાં પકડાયેલા ત્રણ આતંકીની પૂછપરછમાં શું થયો ચોંકાવનારો ખુલાસો?

અમદાવાદઃ બે દિવસ પહેલા ગુજરાત એટીએસે ત્રણ આતંકીને ઝડપ્યા હતા. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. આતંકવાદીઓએ અમદાવાદના નરોડામાં ફ્રુટ માર્કેટ આજુબાજુના વિસ્તારની રેકી કરી હતી. આ ઉપરાંત મુખ્ય ટાર્ગેટ લખનઉનું RSS મુખ્ય કાર્યાલય હતું, તેની પણ રેકી કરવામાં આવી હતી. દિલ્હીના આઝાદ મેદાન આજુબાજુના વિસ્તારની પણ રેકી કરી તેના ફોટા અને વીડિયો પણ તેઓએ કેપ્ચર કર્યા હતા.

દોઢ મહિના પહેલા આવ્યો હતો અમદાવાદ

હૈદરાબાદમાં રહેતો આતંકી અહેમદ સૈયદ દોઢ મહિના પહેલા પણ અમદાવાદ આવ્યો હતો અને કલોલ પાસેથી રોકડ ભરેલુ પાર્સલ લઇને પરત ગયો હતો. ગુજરાત એટીએસના સ્ટાફે કલોલના શેરથા પાસેથી ચાર દિવસ પહેલા ડૉ. અહેમદ સૈયદ નામના એક આતંકીને હથિયાર સાથે ઝડપી લીધા બાદ આઝાદ શેખ અને મોહમંદ સુહેલ સલીમ ખાનને નામના આતંકીઓની ધરપકડ કરી હતી.

એટીએસના અધિકારીઓએ અહેમદ સૈયદ પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા હતા. જે પાકિસ્તાન બોર્ડરથી ડ્રોન મારફતે ભારતમાં મોકલાયા હતા. આ ઉપરાંત, એક સાથે ચાર લિટર કેસ્ટર ઓઇલ મળી આવ્યું હોવાથી સઘન પુછપરછમાં તેણે ચોંકાનવારો ખુલાસો કર્યો હતો કે તે સાઇનાઇટ કરતા પણ વધુ ખતરનાક રાઇઝીન નામનું ઝેરી કેમીકલ તૈયાર કરતો હતો. જેનો ઉપયોગ મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટે કરવાના હતા. રાઇઝીન નામનું ઝેર ખાવામાં તેમજ હવામાં ભેળવી દેવામાં આવે તો પણ ગણતરીની મિનિટોમાં જ અનેક લોકોના જીવ લઇ શકાય તેમ હતું.

લાલ દરવાજા વિસ્તારમાં એક હોટલમાં રોકાયો હતો આતંકી

એટીએસના અધિકારીઓએ ઇસ્લામીક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ સાથે સકંળાયેલા ડૉ.અહેમદ સૈયદની ન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દોઢ મહિના પહેલા ડૉ. અહેમદ સૈયદ દોઢ મહિના પહેલા અમદાવાદ આવ્યો હતો અને તેણે કલોલ પાસેથી રોકડ ભરેલુ પાર્સલ લઇને પરત ગયો હતો. આ નાણાં રાઇઝીન નામનું ઝેર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેણે વધારાના ફંડની પણ માંગણી કરી હતી.

અમદાવાદમાં તે લાલ દરવાજા સ્થિત એક હોટલમાં રહ્યો હતો અને નરોડા ફ્રુટ માર્કેટની રેકી કરી હતી. એટીએસના અધિકારીઓએ લાલ દરવાજા સ્થિત હોટલના માલિકની પુછપરછ કરવાની સાથે સીસીટીવી એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ નરોડા ફ્રુટ માર્કેટના સીસીટીવી અંગે કડી મેળવવામાં આવી રહી છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button