
અમદાવાદઃ શહેરમાં ગુનેગારોને કાયદા-કાનૂનની બીક ન હોય તેમ લાગે છે. શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ઊંચે ચઢી રહ્યો છે. નારોલમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રેમિકાને મળવા માટે યુવક આવ્યો હતો, ત્યારે તેણે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે, સદનસીબે ફાયરિંગની ઘટનામાં યુવતીનો બચાવ થયો અને તેને સામાન્ય ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી.
યુવકે કેમ કર્યું ફાયરિંગ
મળતી વિગત મુજબ, યુવતીની બીજા યુવક સાથે સગાઈ નક્કી થતાં એક તરફી પ્રેમમાં યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો. તેણે મધ્યપ્રદેશથી આવીને નારોલમાં પ્રેમિકા પર એક રાઉન્ડિંગ ફાયરિંગ કર્યું હતું. જે બાદ તે ફરાર થઈ ગયો હતો. ફાયરિંગના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. યુવતીને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
ઘટનાની જાણ પોલીસને થતા નારોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઝોન 6 ડીસીપી અને તેમની સ્કવોડ સહિતની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ગણતરીના કલાકોમાં આરોપી પ્રેમી અરબાઝ ખાન ઉર્ફે ભૂરો રંગરેઝની ઝોન 6 એલસીબી ટીમે પકડી ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં જ સાચી હકીકત સામે આવશે.
બે દિવસ પહેલા જુહાપુરામાં જાહેરમાં યુવક પર છરીથી થયો હુમલો
31 ઓગસ્ટના રોજ જુહાપુરા વિસ્તારમાં સોનલ ચાર રસ્તા ઉપર જાહેરમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર છરી-પથ્થરોથી મારામારી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં બે લોકોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે વેજલપુર પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી હતો.
મેઘાણીનગરમાં યુવકની કરપીણ હત્યા
થોડા દિવસ પહેલાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આઠ જેટલા લોકોએ એક યુવકની ધારદાર હથિયાર વડે હત્યા કરી હતી. જે યુવકની કરપીણ હત્યા કરવામાં આવી તેની ઓળખ નીતિન પટણી તરીકે થઈ હતી. જુની અદાવતના કારણે આ હત્યા કરવામાં આવી હતી. પહેલા યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં તિક્ષ્ણ હથિયારો વડે કરપીણ હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો…રીબડા ફાયરિંગ: આરોપી હાર્દિકસિંહને દોરડે બાંધી કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન, પોપટની જેમ આપી વિગતો