વારંવાર કહેવા છતાં કેમ લોકો નથી માનતા?: ફરી ગઠિયાઓ શિક્ષિતોને શેરબજારના નામે ધૂતી ગયા

અમદાવાદઃ ગુજરાતમાં ફરી 40 કરોડના સ્ટોક માર્કેટ કૌંભાંડનો પર્દાફાશ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે કર્યો હતો. આ વખતે પણ મોડ્સ ઑપરેન્ડીમાં રોકાણકારોને મોટા વળતરની લાલચ આપી તેમના પૈસા પચાવી લેવાની જ રહી હતી. આરોપીઓએ 40 કરોડ કરતા વધારે નાણાની ઉચાપત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ કૌભાંડ પકડાયાને એક મોટી કાર્યવાહી ગણી શકાય, પરંતુ હજુ સુધી ખૂબ જ ઓછા નાણા રિકવર થઈ શક્યા હોવાનું સૂત્રઓએ જણાવ્યું હતું. ધરપકડ કરાયેલા લોકો મુખ્યત્વે બેંક ખાતાધારકો, ખાતા ભાડે રાખનારાઓ અને એન્ટ્રી ઓપરેટરો છે જેમણે છેતરપિંડી કરેલા નાણાંના ટ્રાન્સફર અને લેયરિંગમાં મદદ કરી હતી. માનવામાં આવે છે કે માસ્ટરમાઇન્ડ વિદેશથી કામ કરી રહ્યા છે, જેમને તાત્કાલિક પકડવા ભારતીય તપાસ એજન્સીઓ માટે અઘરું કામ છે.
આ પીડિતોમાં ત્રણ સિનિયર સિટિઝન છે અને સાથે રાજકોટ, વડોદરા, વલસાડ અને અમદાવાદનાં બિઝનેસમેન પણ છે. આ લોકો સાયબર ફ્રોડ કરનારાઓની ઝપટમાં આવી ગયા હતા અને મોટી રકમ તેમના ખાતામાં ટ્રાન્ફર કરી હોવાનું જાણવા મળ્યું હતું.
તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓ તેમના બેંક ખાતા ભાડે આપી રહ્યા હતા અથવા નાના કમિશનના બદલામાં તેમના ખાતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી રહ્યા હતા. તપાસકર્તાઓને પુરાવા મળ્યા છે કે સાયબર છેતરપિંડીના નાણાંની ઉચાપત કરવા માટે બોગસ કંપનીઓ શરૂ કરવામાં આવી રહી હતી. જોકે નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ નાણા રિકવર થયા ન હોવાથી ઘણા સવાલો ઊઠી રહ્યા છે. જોકે પોલીસસૂત્રોના કહેવા અનુસાર તપાસ ચાલુ છે અને વિદેશી ઓપરેટર તેમ જ માસ્ટરમાઈન્ડને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
જોકે આ પહેલીવાર નથી કે ઊંચા વળતરની લાલચ આપી છેતરામણી થઈ હોય, આવા અનેક કિસ્સા પ્રકાશમા આવ્યા છે, આથી રોકાણકારોએ પણ સતર્કતાથી વર્તવાની જરૂર છે, તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.



