
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ પાટનગર ગાંધીનગરમાં ફાટી નીકળેલા ટાઈફોઈડના રોગચાળા મુદ્દે પુર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર દ્વારા આપવામાં આવતા ટાઈફોઈડના આંકડા અને વાસ્તવિકતામાં મોટો તફાવત છે.
તેમણે માંગ કરી હતી કે સરકાર તાત્કાલિક એક સ્પેશિયલ પોર્ટલ અને વોટ્સઅપ નંબર જાહેર કરે, જેમાં દરેક ખાનગી લેબોરેટરી અને ડોક્ટર માટે દૈનિક કેસોનો ડેટા અપલોડ કરવો ફરજિયાત હોય. દર્દીઓનો સાચો આંકડો સામે આવશે તો જ રોગને કાબૂમાં લેવા માટે આગોતરું આયોજન થઈ શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.
જો રાજ્યના પાટનગરમાં જ પીવાનું પાણી શુદ્ધ મળતું ન હોય, તો અન્ય શહેરો અને નગરોની સ્થિતિ કેટલી ભયાનક હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે. સામાન્ય જનતાને શુદ્ધ પાણી પૂરું પાડવાની જવાબદારી સરકાર અને મહાનગરપાલિકાની છે, પરંતુ તંત્ર આ મામલે સદંતર નિષ્ફળ ગયું છે, એમ તેમણે દાવો કર્યો હતો.
ભાજપ સરકાર પર ‘ભયમુક્ત ભ્રષ્ટાચાર’નો આક્ષેપ કરતા ગોહિલે કહ્યું કે, પાઈપલાઈન નાખવાના કામમાં થયેલી ગેરરીતિઓને કારણે અનેક જગ્યાએ પીવાના પાણીની લાઈનો અને ગટરની લાઈનો ભેગી થઈ ગઈ છે.
એટલું જ નહીં, પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયામાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર લોકોના આરોગ્ય અને જાનમાલની સુરક્ષા માટે ગંભીર બને અને નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા તાત્કાલિક પગલાં ભરે.
આ પણ વાંચો…ગાંધીનગરમાં દૂષિત પાણીથી ટાઈફોઈડનો કહેર: માનવ અધિકાર આયોગે રાજ્ય સરકારને ફટકારી નોટિસ



