અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા, ડીઈઓએ 5 સભ્યની કમિટીની રચના કરી

અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) દ્વારા એક પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી.
આ કમિટીમાં સંચાલક મંડળ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો સહિતના મહત્ત્વના સભ્યોને સામેલ કરવામાં આવ્યા હતા.
આપણ વાંચો: વિદ્યાર્થીની હત્યા બાદ કાર્યવાહી: સેવન્થ ડે સ્કૂલ પાસે સરકારે તમામ દસ્તાવેજો માગ્યા
કમિટી 10 દિવસમાં રિપોર્ટ સોંપશે
જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) દ્વારા બનાવેલી આ કમિટીમાં સંચાલક મંડળ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો સહિતના મહત્ત્વના સભ્યોને સામેલ કરવામાં આવ્યા હતા.
જેઓ શાળા દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજો, શાળાના સીસીટીવી ફૂટેજ, અને શાળામાં ડોનેશન લેવા અંગેના આક્ષેપો અંગે પણ તપાસ કરશે. આ કમિટી આગામી 10 દિવસમાં પોતાનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ વિભાગને સુપરત કરશે. આ રિપોર્ટના આધારે જ આગળના કાયદેસરના પગલાં લેવામાં આવશે.
તે ઉપરાંત શાળા દ્વારા અગાઉ જમા કરવામાં આવેલા 18 માંથી 13 દસ્તાવેજોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે. કમિટી શાળાના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરીને ઘટનાના કારણો અને જવાબદાર વ્યક્તિઓ વિશે માહિતી મેળવવામાં આવશે. શાળા પર ડોનેશન લેવા અંગેના જે આક્ષેપો થયા છે, તેની પણ તપાસ કરવામાં આવશે.
આપણ વાંચો: DEOએ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ કરાવ્યું, વાલીઓમાં રોષ યથાવત્
ડીઈઓએ શું કહ્યું
આ મામલે, ડીઇઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સેવન્થ ડે સ્કૂલની ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શિક્ષણ નિયામકે આરટીઈ રૂલ્સ 2012 હેઠળ એક કમિટી બનાવવાની સૂચના આપી છે.
આ મામલે સંપૂર્ણ તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા માટે જણાવાયું છે. આ માટે પાંચ સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં અમારી કચેરીના શિક્ષણ નિરીક્ષક, એક સંચાલક, એક શિક્ષણવિદ્ અને સભ્ય સમાજના પ્રતિનિધિ એમ કુલ મળીને પાંચ સભ્યો છે.
કમિટીમાં આરટીઆઈના નિયમો, ઓડિટ અને શાળા સામેની અન્ય ફરિયાદો જેમ કે, ડોનેશન અથવા વધુ ફી લેવા જેવી બાબતોની તપાસ કરવામાં આવશે. સભ્ય સમાજના પ્રતિનિધિ, સંચાલક, ઓડિટ માટે સીએ અને શિક્ષણ નિરીક્ષક આ મામલાની તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરશે. આ રિપોર્ટ ઉચ્ચ કચેરીને મોકલવામાં આવશે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝડપથી રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. આ મામલાના પુરાવા મળ્યા પછી જ રિપોર્ટ ઝડપથી તૈયાર કરવામાં આવશે. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઇમ બ્રાન્ચને પણ લખવામાં આવ્યું છે. સીસીટીવી ફૂટેજ સહિત તમામ બાબતોની પોલીસની સાથે રહીને તપાસ કરવામાં આવશે.