ગુજરાતમાં કુપોષણની ગંભીર સમસ્યા: દેશના ટોપ-10 કુપોષિત જિલ્લામાં રાજ્યના 5 જિલ્લાનો સમાવેશ | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતમાં કુપોષણની ગંભીર સમસ્યા: દેશના ટોપ-10 કુપોષિત જિલ્લામાં રાજ્યના 5 જિલ્લાનો સમાવેશ

અમદાવાદ: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, દેશમાં અતિકુપોષિત ટોપ 10 જિલ્લામાંથી ગુજરાતના પાંચ જિલ્લા છે. રાજ્યમાં વિકાસની ગુલબાંગો પોકારી રહેલી સરકાર કુપોષણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનું સાબિત થયું હતું. રાજ્યમાં વસ્તીના પ્રમાણમાં પૂરતા આંગણવાડી કેન્દ્રો નથી. કેટલાય આંગણવાડી કેન્દ્રો-ભાડાના મકાનમાં/જર્જરિત મકાનમાં ચાલે છે. પીવાનું પાણી, વિજળી જ નહીં, શૌચાલય સુદ્ધા નથી. આ સ્થિતિ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ કેબિનેટ પ્રધાન જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, આંગણવાડી બહેનો-તેડાગરોને સરકારી તાયફામાં ભીડ ભેગી કરવા ટાર્ગેટ અપાય છે. ભારતમાં 33 લાખ બાળકો કુપોષિત છે જેમાં અડધોઅડધ બાળકો અતિ ગંભીર કુપોષિત છે તેમાં ગુજરાત ટોપ પર રહ્યું છે.

ગુજરાતમાં ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલ અને તાપી જિલ્લામાં સૌથી વધારે બાળકો કુપોષિત છે. ગુજરાતમાં ૩૯.૭% બાળકો કુપોષિત હોવાનું નોંધાયું છે. બીજી તરફ, સુપોષિત (સારું પોષણ મેળવનાર) ટોપ-10 જિલ્લાઓમાં ગુજરાતનો એક પણ જિલ્લો સ્થાન મેળવી શક્યો નથી, જે કુપોષણના દાવાઓને પોકળ સાબિત કરે છે.

આંગણવાડી વર્કરો પર વધારાનો બોજ:

કુપોષણ સામેની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા ભજવતી આંગણવાડી વર્કરો વધારાના કામના બોજને કારણે પરેશાન છે. આંગણવાડીના મૂળ કામ ઉપરાંત, તેમને તમામ પ્રકારની સરકારી યોજનાઓના કામોમાં જોતરી દેવામાં આવે છે. આ કારણે આંગણવાડી વર્કરોને બાળકોની સંભાળ માટે પૂરતો સમય મળતો નથી.

આ ઉપરાંત તેમણે કહ્યું, ગુજરાત હાઇ કોર્ટે ચુકાદો આપ્યા પછી પણ સરકાર આંગણવાડી વર્કરોને પગાર ચૂકવવા તૈયાર નથી. પાટણ જિલ્લાના એક ગામમાં આંગણવાડી કેન્દ્ર વર્કરના જર્જરિત ઘરમાં ચાલે છે, જ્યાં વીજળી કે પીવાના પાણીની સુવિધા નથી. અનેક સ્થળોએ બે-બે કેન્દ્રો ભેગા બેસે છે. આંગણવાડી બહેનોને મોબાઇલ ખરીદવા પેટે ચૂકવવાના ₹ 10,000 હજુ સુધી અપાયા નથી. સિમકાર્ડ પણ કામ ન કરતા હોવાથી બહેનો પોતાના ખર્ચે ઇન્ટરનેટ વાપરીને કામગીરી કરી રહી છે.

કૅગના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે કે, બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે ₹3.82 કરોડના ખર્ચે મશીનો ખરીદવામાં આવ્યા હતા, પરંતું તે પાણી શુદ્ધ કરવાના સાધનો વણવપરાયેલા જ પડી રહ્યા હતા. પરિણામે બાળકોને શુદ્ધ પાણી મળી શક્યું નહોતું. સરકાર આંગણવાડીઓ અને કુપોષણના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં ધરાર નિષ્ફળ રહી છે. કુપોષણના નામે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેનો વાસ્તવિક લાભ બાળકો સુધી પહોંચતો નથી.

આપણ વાંચો:  સુરત મહાનગરપાલિકા લાવશે ગ્રીન બોન્ડ: ₹ 200 કરોડનો ઇસ્યુ 6 ઓક્ટોબરે ખુલશે, જાણો શું છે ખાસિયત

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button