
અમદાવાદ/નવસારીઃ અમદાવાદમાં આજથી બે દિવસીય પારસી ધર્મગુરુઓના સન્માન સમારંભ યોજાશે. જેમાં પારસી રત્ન એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે. નવી પેઢી પોતાની પરંપરા અને સંસ્કૃતિ વિશે જાગ્રત થયા તેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં દેશમાંથી જાણીતા બિઝનેસમેન, ડોક્ટર તેમજ અન્ય હસ્તીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં પારસી સંસ્કૃતિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રહેશે. જેમાં નાટક, મ્યુઝિક અને કોમેડીનું આયોજન કરાયું છે.
અમદાવાદમાં આ જગ્યાએ બનાવાશે પારસીઓ માટે 40 ફ્લેટ
આવતીકાલે રાજ્યપાલની ઉપસ્થિતિમાં સિનિયર સિટીઝન હોમનું થ્રીડી મોડલ લોન્ચ કરવામાં આવશે. આશ્રમ રોડ પર આવેલા સેનિટોરિયમ પારસી વસાહતની પાસે જ અમદાવાદ પારસી પંચાયત અને અરીઝ ખંભાત ટ્રસ્ટ દ્વારા પારસી સિનિયર સિટીઝન હોમ તૈયાર કરાશે. આ જગ્યા પર 40 ફ્લેટ બનાવાશે, જ્યાં પારસી ધર્મના આર્થિક રીતે નબળા સિનિયર સિટીઝન તેમના પરિવાર સાથે રહી શકશે. જેનો હેતુ તેઓ પરિવારની હૂંફ અને લાગણી સાથે જોડાયેલા રહે તેવો છે. પીરૂઝ ખંભાતાના કહેવા પ્રમાણે, આજના યુવાનો વિદેશમાં જતા પહેલા વડીલો સાથે રહે તેવો અમારો ઉદ્દેશ છે.
નવસારીમાં શું થયું
નવસારીમાં પારસી સમુદાયે 1100 વર્ષના ઈતિહાસને ટાઇમ કેપ્સ્યૂલમાં સંરક્ષિત કર્યો હતો. આ અવસર પર પારસી ધર્મગુરુઓએ અગ્નિદેવની વિશેષ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉત્સવમાં પારસી ધર્મગુરુઓ સાથે મોટી સંખ્યામાં પારસી સમુદાય ઉપસ્થિત રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પારસી સમુદાય 1100 વર્ષ પહેલા ધર્મની રક્ષા માટે ઈરાનથી સ્થળાંતર કરી ગુજરાતના સંજાણ બંદરે પોતાના પવિત્ર અગ્નિ આતશ બહેરામ સાથે આવ્યા હતા. નવસારી પારસી સમાજ માટે ધર્મનગરી તરીકે વિશેષ સ્થાન ધરાવે છે. આ આતશ બહેરામ બિલ્ડિંગમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પારસી અગ્રણીઓના કહેવા પ્રમાણે, 1100 વર્ષ પહેલા ભારત આવ્યા બાદ પારસીઓએ કઈ રીતે પવિત આતશની રક્ષા કરીને ધર્મને ટકાવી રાખ્યો અને કઈ રીતે ભારતમાં રહીને પ્રગતિ કરી તેનો ઉલ્લેખ કરવમાં આવ્યો છે.



