ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચી તો ભારે પડશે: અમદાવાદમાં પોલીસની મેગા ડ્રાઇવ, મેડિકલ સ્ટોર્સ પાડ્યા દરોડા

અમદાવાદ: શહેરમાં નશીલી દવાઓના દુરુપયોગ અને તેના ગેરકાયદેસર વેચાણને જડમૂળમાંથી ડામવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકના કડક આદેશાનુસાર મંગળવારે શહેર પોલીસે એક મેગા ઇન્સ્પેક્શન ડ્રાઇવ હાથ ધરી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા મણિનગર, ખોખરા, ઇસનપુર, વટવા, નરોલ, દાણીલીમડા સહિત વટવા જીઆઇડીસીમાં આવેલા મેડિકલ સ્ટોર્સ પર સંકલિત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિસ્ક્રિપ્શન વગર નાર્કોટિક્સ દવાઓનું વેચાણ કરીને કાયદાનું ઉલ્લંઘન કરતા દુકાનદારોની ઓળખ કરવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ મેગા ચેકિંગ ડ્રાઇવમાં મુખ્યત્વે ડૉક્ટરની પરવાનગી વિના પ્રિસ્ક્રિપ્શન આધારિત દવાઓનું વેચાણ, પ્રતિબંધિત દવાઓનો સ્ટોક રાખવો, નિયમોથી વધારે જથ્થામાં દવાઓનો સંગ્રહ તથા કાયદેસર પ્રતિબંધિત હોય તેવી દવાઓ કબજામાં રાખવા જેવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
ભવિષ્યમાં પણ ડ્રાઇવ ચાલુ રહેશે
સૂત્રોએ જણાવ્યું કે, નિયમોનું ઉલ્લંઘન કરતા મળી આવતા દુકાનદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં નશીલા પદાર્થોના પ્રસારને રોકવા અને ડ્રગ સેફટી કાયદાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવાના ચાલુ પ્રયાસોના ભાગરૂપે આ નિરીક્ષણો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે.



