તહેવારોની સિઝન દરમિયાન રાજ્યમાં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ 65 ટકા ઘટ્યું, જાણો શું છે કારણ

અમદાવાદઃ કેન્દ્ર સરકારે નવરાત્રીથી ઘટાડેલા જીએસટીની અસર રાજ્યમાં સેકન્ડ હેન્ડ કાર માર્કેટ પર જોવા મળી હતી. રાજ્યમાં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ 65 ટકા ઘટ્યું હતું.
જીએસટીમાં થયેલા તીવ્ર ઘટાડાએ આ તહેવારોની સિઝનમાં ગ્રાહકોને પ્રી-ઓન્ડ (સેકન્ડ-હેન્ડ) બજારથી દૂર કર્યા હતા, જેના કારણે નવરાત્રિ અને દશેરા દરમિયાન વેચાણમાં 60-65 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
સરકારે તાજેતરમાં નવી કાર પરનો જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે, જેનાથી નાની અને મિડ-સેગમેન્ટના વાહનોની કિંમતોમાં ₹50,000 થી ₹ 1.50 લાખ સુધીનો ઘટાડો થયો છે. ડીલરોએ તહેવારો દરમિયાન ડિસ્કાઉન્ટ પણ આપ્યું હતું.
આપણ વાંચો: GST ઘટતા નવી કારના વેચાણમાં વધારો; પણ યુઝ્ડ કાર ડીલરોની દિવાળી બગડી, વેચાણ આટલા ટકા ઘટ્યું
જેના કારણે કિંમતો વધુ ઘટી હતી અને નવી તથા સેકન્ડ હેન્ડ કાર વચ્ચેનો ભાવ તફાવત ઓછો થયો હતો. જેના કારણે ઓછું બજેટ ધરાવતા ગ્રાહકોને પણ બિલકુલ નવી કાર પોસાય તેવી બની છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ, લક્ઝરી કાર સિવાયની નવી કાર પર જીએસટી 28 ટકા હતો, પરંતુ હવે તે ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, જે ખરીદદારોને 10 ટકા કિંમતનો લાભ આપે છે.
આ ઘટાડાથી ગ્રાહકોને સીધો ફાયદો થાય છે અને તહેવારોના ઓફરો સાથે જોડાતા નવી કાર નોંધપાત્ર રીતે વધુ સસ્તું બની જાય છે. આ ઉપરાંત દર વર્ષે નવરાત્રિ અને દશેરા પર સારું વેચાણ થાય છે, પરંતુ આ વખતે જીએસટી દરમાં ઘટાડો અને ઉત્પાદકોની છૂટછાટને કારણે વેચાણમાં 60-65 ટકાનો ઘટાડો થયો છે.
આ ઉપરાંત સૂત્રોએ કહ્યું, યુઝ઼્ડ કારના ડીલરો નવી કાર પરની છૂટછાટ સાથે તાલમેલ સાધી શકે તેમ નથી. કિંમતનો તફાવત એટલો ઘટી ગયો છે કે મોટાભાગના ખરીદદારો હવે નવી કાર પસંદ કરી રહ્યા છે. આ નવરાત્રિ-દશેરાની સિઝન સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ડિસેમ્બરમાં પણ મોટું નુકસાન પહોંચશે.