અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 8 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા

અમદાવાદ: અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહીનો દોર યથાવત છે. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની બીજી બેચને લઈને બીજું વિમાન શનિવાર, 15 ફેબ્રુઆરીના રોજ પંજાબના અમૃતસર એરપોર્ટ પહોંચ્યું હતું. આ વિમાનમાં 119 ભારતીયો હતા. જેમાં પંજાબના 67, હરિયાણાના 33 અને 8 ગુજરાતી હતા.
8 ગુજરાતીઓને રવિવાર, 16 ફેબ્રુઆરી સવારે અમૃતસરથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામ પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તમામ 8 લોકોને કાળા પડદાવાળી પોલીસની ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર સ્થાનિક પોલીસ, આઈબી, એસઓજી સહિતની ટીમ પહોંચી હતી અને નિવેદન નોંધ્યા હતા.
8 ગુજરાતીઓના નામ
આઠ ગુજરાતીઓની સામે આવેલી યાદી મુજબ, કલોલના લુહાર ધવલભાઈ કિરીટકુમાર, લુહાર રુદ્ર ધવલભાઈ તેમજ અમદાવાદના પટેલ ધિરજકુમાર કનુભાઈ, માણસાના ચૌધરી કનિશ મહેશભાઈ તે ઉપરાંત મિહિત ઠાકોર , ગોસ્વામી આરોહીબેન દીપકપૂરી, ગોસ્વામી દીપકપૂરી બળદેવપુરી, ગોસ્વામી પૂજાબેન દિપકપૂરીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…Jayalalithaa ની જપ્ત કરાયેલી સંપત્તિ તમિલનાડુ સરકારને સોંપાઈ, સોનાની તલવાર અને મુકુટ પણ સામેલ…
પહેલા તબક્કામાં 33 ગુજરાતી સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. 5 ફેબ્રુઆરી 2025ના રોજ અમેરિકન એરફોર્સના વિમાનમાં તમામને અમૃતસર લાવવામાં આવ્યા હતા. 6 ફેબ્રુઆરીએ 33 ગુજરાતીઓને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીમાંથી 28 લોકો ઉત્તર ગુજરાતના હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધ બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને, તેમણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરી. તેમણે ચૂંટણી પ્રચારમાં જે વચન આપ્યું હતું તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવાની કામગીરી આરંભી હતી.