ગુજરાત પર પાંચ વરસાદી સિસ્ટમ સક્રિયઃ અત્યાર સુધીમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ

અમદાવાદઃ ગુજરાત પર અત્યારે કુલ પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે રાજ્યમાં 27 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી હતી. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં ૭૮.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
આપણ વાંચો: ગુજરાતમાં આજે સર્વત્ર ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું…
રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 180 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તલોદમાં 1.69 ઇંચ, તિલકવાડામાં 1.65 ઇંચ, કપરાડામાં 1.22 ઇંચ, ધનસુરામાં 1.18 ઇંચ, તારાપુરમાં 1.18 ઇંચ, સોજીત્રામાં 1.18 ઇંચ, જામનગરમાં 1.14 ઇંચ, મેઘરજમાં 1.14 ઇંચ, રાઘનપુરમાં 1.10 ઇંચ, નડીયાદમાં 1.10 ઇંચ વરસાદ વરસ્યો હતો. 169 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇરમજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 80.19 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે.
જ્યારે 69 ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૩૬ ડેમ ૫૦ થી ૭૦ ટકા, 26 ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને 20 ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૭૦ ડેમ હાઈ એલર્ટ, 36 ડેમ એલર્ટ તથા 18 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં વરસાદના કારણે પંચાયત હસ્તકના 320 સહિત કુલ 340 રોડ રસ્તા બંધ છે. જ્યારે જૂનાગઢ રૂટની 28 સહિત કુલ 39 રૂટની 195 ટ્રીપ બંધ છે.