
નવી દિલ્હી/અમદાવાદ: પૃથ્વીના સૌરમંડળમાં ધસી આવેલા ‘એલિયન સ્પેસશિપ’ના અહેવાલો પર વૈજ્ઞાનિકોએ પ્રતિક્રિયા આપી છે. ભારતીય અને અમેરિકી વૈજ્ઞાનિકો દ્વારા ઇન્ટરસ્ટેલર વસ્તુ 3I/ATLASની તાજેતરની તસવીરો અને વિશ્લેષણ જાહેર કરવામાં આવ્યા છે. આ તારણો સાથે જ વૈજ્ઞાનિક સમુદાયે તે તમામ અટકળોને સ્પષ્ટપણે રદ કરી દીધી છે જેમાં તેને એલિયનની અવકાશયાન તરીકે વર્ણવવામાં આવી રહ્યું હતું. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે આ એક સામાન્ય ધૂમકેતુ છે. આ અભિયાનમાં અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અને નાસા સહિત અનેક પ્લેટફોર્મ્સે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ના વૈજ્ઞાનિકોએ 12 થી 15 નવેમ્બર દરમિયાન ગુજરાતના માઉન્ટ આબુ ખાતે સ્થાપિત 1.2-મીટર ટેલિસ્કોપનો ઉપયોગ કરીને 3I/ATLASનું ઈમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપિક મોડમાં અવલોકન કર્યું હતું. આ અવલોકનોમાં ધૂમકેતુની આસપાસ એક લગભગ ગોળાકાર કોમા દેખાય છે, જે સૂર્યની ગરમીને કારણે તેની બર્ફીલી સપાટીમાંથી નીકળતા ગેસ અને ધૂળનું તેજસ્વી વાતાવરણ છે. વૈજ્ઞાનિકોએ ધૂમકેતુના પ્રકાશનો સ્પેક્ટ્રમ પણ રેકોર્ડ કર્યો, જેમાં CN, C2 અને C3 જેવા સામાન્ય ઉત્સર્જન બેન્ડ મળ્યા, જે આપણા સૌરમંડળના લાક્ષણિક ધૂમકેતુઓમાં જોવા મળે છે. વધુમાં, ધૂમકેતુના મુખ્ય વાયુ ઉત્સર્જનનો દરને માપીને તેને ‘સામાન્ય ધૂમકેતુ’ની શ્રેણીમાં મૂક્યો હતો.
બુધવારે નાસા દ્વારા પણ 3I/ATLASની નવી તસવીરો અને વિશ્લેષણ જાહેર કરવામાં આવ્યું હતું, જેણે ભારતીય વૈજ્ઞાનિકોના તારણોને સમર્થન આપ્યું હતું. નાસાના વિજ્ઞાન મિશન ડિરેક્ટોરેટના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર, નિકોલ ફોક્સએ જણાવ્યું હતું કે, આ ધૂમકેતુ એકદમ ધૂમકેતુની જેમ જ વર્તી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે આજ સુધી કોઈ પણ એવા તકનીકી સંકેતો મળ્યા નથી જે સૂચવે કે તે કોઈ એલિયન અવકાશયાનનો ભાગ છે.
નાસાએ આ ઇન્ટરસ્ટેલર મુલાકાતીને આપણા સૌરમંડળનો ‘મૈત્રીપૂર્ણ મહેમાન’ ગણાવ્યો. નાસાના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર અમિત ક્ષત્રિયએ પણ પુષ્ટિ કરી કે દેખાવ અને વર્તન બંને રીતે તે એક ધૂમકેતુ છે, અને બધા વૈજ્ઞાનિક પુરાવા આ તરફ જ ઈશારો કરે છે. 3I/ATLASનો અભ્યાસ હબલ, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ, અને મંગળની કક્ષામાં ફરતા ઉપગ્રહો સહિત ડઝનથી વધુ વૈજ્ઞાનિક પ્લેટફોર્મ પર કરવામાં આવ્યો છે.



