HMPV મામલે સ્કૂલો સાવધઃ માતા-પિતાને આપી આવી સલાહ
અમદાવાદ: ચીન બાદ હવે ભારતમાં પણ HMPVના કેસ નોંધાયા છે. આ દરમિયાન ગુજરાતમાં પણ એક કેસ પોઝિટિવ મળી આવતા હવે ગુજરાત શિક્ષણ વિભાગ રાજ્યમાં HMPVના કેસ બાદ પ્રોટોકોલ જાહેર કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગની સલાહ લઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદમાં બે મહિનાના બાળકમાં કેસ પોઝિટિવ મળી આવ્યા બાદ આ સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદમાં HMPVનો પ્રથમ કેસ નોંધાયા બાદ શાળા સંચાલકો અને વાલીઓ બંને ચિંતીત છે. શાળા દ્વારા પણ વાલીઓને બાળકોમાં તાવ, શરદી જેવા કોઇ લક્ષણ જણાઈ તો શાળાએ નહિ મોકલવા સૂચના આપવામાં આવી છે. જો કે વાલીઓમાં વાયરસને પગલે શાળાની તૈયારીઓને લઈને પણ દ્વિધા છે. ઘણા વાલીઓનું કહેવું છે કે હાલ જ ઘણા પરિવારો ક્રિસમસ વેકેશન પૂર્ણ કરીને પરત ફર્યા હોય આથી બાળકોને વાયરસ સંક્રમિત કરી શકે છે.
COVID-19 પ્રોટોકોલ છે
આ અંગે જાણીતી શાળાના ડિરેક્ટરે જણાવ્યું હતું કે આ અંગે શાળાઓ સત્તાવાર માર્ગદર્શિકા બાદ પગલાં ભરશે, પરંતુ હાલ તો શાળાએ પ્રારંભિક તકેદારીના ભાગરૂપે અમુક તૈયારી કરી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાળોઓ પાસે પહેલાથી જ COVID-19 પ્રોટોકોલ છે, તેથી અમારે કોઇ પ્રારંભથી જ શરૂઆત કરવાની જરૂર નથી. અમે વાલીઓને પણ સાવચેત રહેવાની અને જો બાળકોને કોઈ લક્ષણો દેખાય તો તેમને શાળાએ મોકલવાનું ટાળવાની સલાહ આપી છે. અમુક કિસ્સાઓમાં લક્ષણો દેખાઈ આવશે તો ડૉક્ટરના રિપોર્ટની કરાવવા પણ સૂચના છે.
એક અલગ આઇસોલેશન વોર્ડ
અન્ય એક શાળાનાં ટ્રસ્ટીએ જણાવતા કહ્યું હતું કે વાલીઓએ વાયરસને લઈને અમારી સામે ચિંતા વ્યક્ત કરી છે. અમે તેમને ખાતરી આપી છે કે શાળા દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે. જ્યારે અમે હજુ પણ લક્ષણોની વધુ સારી સમજ મેળવી રહ્યા છીએ. કોઇ વિદ્યાર્થી બીમાર કે અસ્વસ્થ હોય તો તેનાથી શાળાના અન્ય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એક અલગ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે.”
આ પણ વાંચો…EDની મોટી કાર્યવાહી, દાઉદ ઈબ્રાહિમના નજીકના ઈકબાલ મિર્ચીની કરોડોની સંપત્તિ જપ્ત
શિક્ષણ વિભાગ માર્ગદર્શિકા જાહેર કરે તેવી આશા
વાયરસને પગલે હાલ સરકાર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જો કે આરોગ્ય વિભાગ આગામી દિવસોમાં શાળાઓ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરે તેવી અપેક્ષા છે. વાયરસની સ્થિતીને જોતાં સુરક્ષાના ધોરણોનું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓનું રક્ષણ કરવા શિક્ષણ વિભાગ આ નિર્દેશો જિલ્લા શિક્ષણ અધિકારીઓને મોકલે તેવી શક્યતા છે.