Top Newsઅમદાવાદ

શિયાળાની શરૂઆત સાથે જ સ્કૂલ સંચાલકોએ શરૂ કરી મનમાની, યુનિફોર્મ સાથે મેચ થતાં સ્વેટર ખરીદવા દબાણ

અમદાવાદઃ શિયાળાની શરૂઆત થવાની સાથે જ રાજ્યમાં ગરમ કપડાંના માર્કેટમાં લોકોનો ધસારો વધી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને યુનિફોર્મ સાથે મેચિંગ સ્વેટર ખરીદવા દબાણ કરી રહ્યા છે. શાળા સંચાલકોની મનમાનીના કારણે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે. વાલીઓ આને શાળા સંચાલકોની મનમાની ગણાવીને શિક્ષણ વિભાગના અગાઉના નિર્દેશોનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે.

અન્ય રંગના સ્વેટરને મંજૂરી આપવામાં આવશે નહીં

સૂત્રોએ જણાવ્યું કે, જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કોઈ સર્ક્યુલર ન હોવાનો લાભ લઈ રહી છે. એક સ્કૂલમાં સ્કૂલ મેનેજમેન્ટે તમામ વિદ્યાર્થીઓને ‘3 નવેમ્બરથી બ્લેઝર સાથે યોગ્ય મેચિંગ ગરમ કપડામાં આવવાની સૂચના’ આપી છે. શાળાએ તેના ટેક્સ્ટ મેસેજમાં વિદ્યાર્થીઓને બ્લેઝરની નીચે ‘ઘેરું વાદળી, હાફ સ્વેટર’ પહેરવા જણાવ્યું હતું, શાળાએ તેના મેસેજમાં અન્ય રંગના સ્વેટરને મંજૂરી આપવામાં આવશે નહીં તેમ પણ લખ્યું હતું. વાલીઓએ આ માટે સ્કૂલ યુનિફોર્મના વિક્રેતાઓનો સંપર્ક કરવા જણાવાયું હતું.

વાલીઓએ શું કહ્યું

વાલીએ જણાવ્યું હતું કે શાળા દ્વારા સૂચવવામાં આવેલા સ્વેટરની કિંમત ખૂબ વધારે છે અને બધા વાલીઓ તે પરવડી શકે તેમ નથી. જો બે બાળકો એક જ શાળામાં ભણતા હોય તો વાલીઓ માટે મુશ્કેલી વધી જાય છે. એક વાલીએ કહ્યું, યુનિફોર્મના મેચિંગના બદલે શિયાળાની ઠંડીથી બચાવવા પર શાળાનું ધ્યાન હોવું જોઈએ.

શહેરની અન્ય શાળાઓએ પણ વાલીઓને ચોક્કસ રંગના અને પ્રકારના સ્વેટર ફક્ત ચોક્કસ વિક્રેતાઓ પાસેથી જ ખરીદવા જણાવ્યું છે. એસજી હાઇવે નજીકની અન્ય એક શાળામાં ભણતા વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે શાળાએ તમામ વિદ્યાર્થીઓમાં એકરૂપતા જાળવવા માટે તેમણે નિર્દિષ્ટ કરેલા વિક્રેતા પાસેથી ચોક્કસ રંગનું સ્વેટર ખરીદવા કહ્યું છે.

શહેરની અન્ય એક જાણીતી સ્કૂલે પણ ધોરણ 1 થી 8 માં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને શિયાળુ વસ્ત્રો તરીકે કેમોફ્લેજ હૂડી જેકેટ ખરીદવા જણાવ્યું હતું, અને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને યુનિફોર્મ સાથે મેળ ખાતા બ્લેઝર ખરીદવા કહ્યું હતું. જ્યારે કેટલાક વાલીઓએ દલીલ કરી, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ નિયંત્રણ માત્ર સરકારી શાળાઓ માટે છે, કારણ કે ગરીબ વાલીઓ મોંઘા શિયાળુ વસ્ત્રો ખરીદી શકતા નથી.

ઉલ્લંઘન નહીં પરંતુ એકરૂપતા જાળવવાનો પ્રયાસ

સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓએ માત્ર વાલીઓને ‘વિનંતી’ કરી છે અને તેમને કંઈપણ કરવા માટે દબાણ કર્યું નથી. તેમણે કહ્યું, અમે વિદ્યાર્થીઓને બ્લેઝરની નીચે વાદળી સ્વેટર પહેરવા વિનંતી કરી છે. આનાથી કોઈ અણબનાવ બને તો અમારી શાળાના વિદ્યાર્થીઓને ઓળખવામાં મદદ મળે છે.

ઉપરાંત, અમારી પાસે યુનિફોર્મના ભાગ રૂપે બ્લેઝર છે, અને જો વિદ્યાર્થીઓ ઈચ્છે તો યુનિફોર્મના શર્ટની નીચે કોઈપણ રંગનું સ્વેટર હંમેશા પહેરી શકે છે. આ નિયમોને ઉલ્લંઘન તરીકે નહીં પરંતુ એકરૂપતા જાળવવાના પ્રયાસ તરીકે જોવા જોઈએ.

સૂત્રો મુજબ, શાળાઓ કોઈ પણ વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારનું સ્વેટર પહેરવા દબાણ કરી શકે નહીં. તેમણે કહ્યું, જો કોઈ શાળા આવું કરતી જણાશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button