
અમદાવાદ: દિવાળી પહેલા ચોમાસાએ રાજ્યમાંથી હવે વિધિવત રીતે વિદાય માટેની તૈયારીઓ કરી લીધી છે, અને હાલમાં સવારમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નૈઋત્ય ચોમાસાની વિદાયની રેખા વેરાવળ, ભરૂચ સહિત દેશના વિવિધ ભાગોમાંથી પસાર થઈ રહી છે, જે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ દર્શાવે છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ, આગામી ૨૪ કલાકમાં ગુજરાતના બાકીના ભાગો તેમજ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી ચોમાસું વધુ પાછું ખેંચાઈ જવાની શક્યતા છે.
આગામી બે દિવસની વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ માટે હળવાથી મધ્યમ વરસાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓમાં તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લાઓમાં અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જો કે તે સિવાયના રાજ્યના ભાગોમાં સૂકું હવામાન રહેવાની સંભાવના છે. જો કે વરસાદી અસરનો આજે છેલ્લો દિવસ રહેશે, આવતીકાલથી હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના તાપમાનની સ્થિતિ તપાસીએ તો, રાજ્યમાં મહત્તમ તાપમાન 33.5° સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે રાજ્યનું ન્યૂનતમ તાપમાન 22.0° સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા 245 કલાકમાં ભુજનું મહત્તમ તાપમાન 33 ° સેલ્સિયસ તેમજ ન્યૂનતમ તાપમાન 22 ° સેલ્સિયસ, નલિયાનું મહત્તમ તાપમાન 30° સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 20° સેલ્સિયસ નોંધાયું હતું.
અમદાવાદનું મહત્તમ તાપમાન 33° સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 22° સેલ્સિયસ, ગાંધીનગરનું મહત્તમ તાપમાન 34° સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 23° સેલ્સિયસ, વડોદરાનું મહત્તમ તાપમાન 33° સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 23° સેલ્સિયસ, સુરતનું મહત્તમ તાપમાન 33° સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 23° સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે રાજકોટનું મહત્તમ તાપમાન 34° સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 21° સેલ્સિયસ નોંધાયું હતું.
આ પણ વાંચો…દિવાળી પહેલા ગુજરાતમાં ચોમાસાની વિદાયના સંકેત, આ જિલ્લાઓમાં હજુ પડશે વરસાદ