
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, મોદીનો ફોટો દેખાય એવી રીતે થેલી બતાવજો, મોદી ઝિંદાબાદ એવું ચારવાર બોલજો અને જો તમને અનાજ આપે તો માનજો આ મોદીનું અનાજ છે.
શું બોલ્યા અમિત ચાવડા
તેમણે એક કાકાનું ઉદાહરણ આપતાં કહ્યું, કાકા કહે છે મોદી અનાજ આપે છે. મેં કહ્યું- કાકા મોદી કઈ રીતે અનાજ આપે છે? તો કહે – તેની પેલી થેલી લઈને જઈએ તેમાં અનાજ આપે છે. આપણા ધરમપુર બાજુ મોદીના ફોટાવાળી થેલીઓ આપી છે? એ કાકાને મેં કીધું- એક કામ કરજો, કાકા આવતા મહિને અનાજ લેવા જાવ તો રેશનકાર્ડ ઘેર મૂકજો. મોદીના ફોટાવાળી થેલી હાથમાં લઈને દુકાન પર જજો. મોદીનો ફોટો દેખાય એવી રીતે થેલી બતાવજો અને મોદી ઝિંદાબાદ એવું ચારવાર બોલજો અને જો તમને અનાજ આપે તો માનજો આ મોદીનું અનાજ છે. જો તમને અનાજ ન આપે તો બીજે દિવસે ફરી જજો. આ દિવસે મોદીના ફોટાવાળી થેલી ઘરના ખૂણામાં નાંખીને જજો. તમારી જૂની થેલી લઈને જજો, હાથમાં રેશનકાર્ડ લેજો, દુકાનદારના ટેબલ પર જઈ રેશનકાર્ડ પછાડીને કહેજો – અનાજ આપ, એક પણ પ્રશ્ન પૂછ્યા વગર જો તમારી જૂની થેલીમાં અનાજ આપે તો માનજો આ મોદીનું અનાજ નથી હોતું. રેશનકાર્ડ પર અંત્યોદય, બીપીએલ, ફૂડ સિક્યોરિટીના સિક્કા મારેલા હોય છે. આ અનાજ મોદીની થેલીઓ કે મોદી ઝીંદાબાદ બોલવાથી નથી મળતું પરંતુ તમારા રેશનકાર્ડ પર મારેલા સિક્કાને કારણે મળે છે.
दिन 2 | जन आक्रोश यात्रा – परिवर्तन का शंखनाद
— Amit Chavda (@AmitChavdaINC) February 3, 2026
वापी से चिखली
मुफ्त अनाज मोदी के फोटो नहीं बल्कि कांग्रेस सरकार के बनाये गए कानून से मिलता है। #JanAakroshYatra #જનઆક્રોશયાત્રા#CongressForPeople pic.twitter.com/TMiKHm3603
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દક્ષિણ ગુજરાતની જનતાના ગંભીર પ્રશ્નો ઉજાગર કરતા જણાવ્યું હતું કે આજે દક્ષિણ ગુજરાત અનેક મોરચે સંકટમાં ફસાયેલું છે. સુરત, ભરૂચ, વલસાડ અને તાપી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થવાના કારણે રોજગાર સંકટ ઘેરું બન્યું છે અને હજારો શ્રમિકો તથા યુવાનો બેરોજગાર બન્યા છે. ખાસ કરીને સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે કામદારોની છટણી, પગારમાં કપાત અને રોજગારની અનિશ્ચિતતાએ હજારો પરિવારોના જીવન પર સીધી અસર કરી છે.
ભાજપ સરકાર આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનના અધિકાર છીનવી રહી છે. ડાંગ, તાપી અને નર્મદા જેવા આદિવાસી વિસ્તારોમાં આજે પણ આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પીવાનું પાણી અને મોબાઇલ કનેક્ટિવિટી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, જે સરકારની નિષ્ફળતાનો પુરાવો છે. ખેડૂતોને પાણી, અપૂર્ણ કેનાલ નેટવર્ક, વધતા ખાતર-બીજના ભાવ અને પાકના યોગ્ય ભાવ ન મળવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે નર્મદા યોજનાના સંપૂર્ણ લાભ દક્ષિણ ગુજરાતના અંતિમ ગામ સુધી પહોંચ્યા નથી.
આપણ વાંચો: અમદાવાદમાં રખડતા પશુઓનો ત્રાસ રોકવા તંત્ર તૈયાર, હવે માલિકો પર વિંઝશે દંડનો કોરડો…



