સૌરાષ્ટ્રમાં માવઠાનો માર સહન કરતાં ખેડૂતો માટે મોટ સમાચાર, બે દિવસમાં સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં હાલ ખેડૂતો માવઠાનો માર સહન કરી રહ્યા છે. માવઠાના કારણે કપાસ, મગફળી સહિતના પાકનો સોથ વળી ગયો છે. રાજ્ય સરકારે આગામી 48 કલાકની અંદર ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાની મૌખિક ખાતરી આપી હતી.
સૌરાષ્ટ્રના ધારાસભ્યો દ્વારા કમોસમી વરસાદને કારણે થયેલી નુકસાનીના મુદ્દે રાજ્ય સરકારમાં સઘન રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી હતી, જેના પગલે બે દિવસમાં નુકસાની માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવી શકે છે.
આપણ વાચો: માવઠાને લઈ સરકારે ખેડૂતો માટે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો નુકસાન અટકાવવા શું કરશો?
સૌરાષ્ટ્રના ધારાસભ્યો હીરાભાઈ સોલંકી, ભગવાનભાઈ બારડ ભગવાનભાઈ બારડ, હીરાભાઈ સોલંકી અને રાજેશ ચુડાસમા સહિતના અગ્રણીઓએ ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારમાં સચોટ રજૂઆતો કરી હતી.
આ રજૂઆતોના ફળ સ્વરૂપે, સૌરાષ્ટ્રના ધારાસભ્યોને સરકાર તરફથી વળતર પેકેજ જાહેર કરવાની મૌખિક ખાતરી મળી હતી. ખેડૂત આલમ હવે સરકારના સત્તાવાર નિર્ણયની આશા સાથે રાહ જોઈ રહી છે.
આપણ વાચો: સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો: 80-90% મગફળીનો પાક નિષ્ફળ
ઉલ્લેખનીય છે કે, આગામી તા. 1 નવેમ્બર સુધી ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી. આવા વાદળછાયા વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને, ખેડૂતોને તેમના પાકના રક્ષણ માટે કેટલીક તકેદારીના પગલાં લેવા માટે ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
દિવાળીના દિવસે રાજ્ય સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે ₹947 કરોડનું વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજમાં કેન્દ્ર સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માંથી ₹573 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
જ્યારે બાકીની રકમ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ રાહત પેકેજનો લાભ રાજ્યના 5 જિલ્લાના 18 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને મળશે. સરકારે જાહેરાત કરી છે કે, જો જરૂર પડશે તો ખેડૂતોને મદદરૂપ થવા માટે વાવ અને થરાદ જેવા વિસ્તારોને વધારાનું પેકેજ પણ ફાળવવામાં આવી શકે છે.



