અમદાવાદમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા બાદ લાશ ઘરમાં દાટી દીધી…

અમદાવાદઃ શહેરના સરખેજમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના સામે આવી હતી. પ્રેમી સાથ મળી પતિની હત્યા કરી લાશ ઘરમાં દાટી દીધી હતી. આ અંગે એક વર્ષ અગાઉ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શંકાસ્પદ લાગતા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને મફરિયાદ મહિલાના ઘરના રસોડામાં ખોદકામ કરીને પતિનું હાડપિંજર બહાર કાઢ્યું હતું.
શું છે મામલો
સરખેજના ફતેવાડી કેનાલ રોડ પર આવેલા મકાનમાં રહેતો સમીર બિહારી નામનો યુવક લાપતા બન્યો હોવાની ફરિયાદ તેની પત્નીએ એક વર્ષ પહેલા નોંધાવી હતી. એક વર્ષ સુધી કોઈ ભાળ ન મળતાં પોલીસને શંકા ગઈ હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાનગી વોચ ગોઠવી હતી. જેમાં મહિલાને કોઈ સાથે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આ મામલે વધુ તપાસ કરતાં અહીં થોડા સમય પહેલાં સમીર બિહારી નામનો શખસ તેની પત્ની અને બાળકો સાથે રહેતો હોવાની જાણકારી મળી હતી. માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે સમીર અને તેની પત્નીની તપાસ કરતા મહિલાની ભાળ મળી હતી. પરંતુ સમીર અંગે કોઈ માહિતી મળી નહોતી. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન સમીરની પત્ની ભાંગી પડી હતી અને કબૂલાત કરી હતી કે તેણે જ તેના પ્રેમી સાથે મળીને પતિ સમીર બિહારીની હત્યા કરી હતી.
આશરે દોઢેક વર્ષ પહેલાં તેણે હત્યા કરી લાશ જમીનમાં દાટીને મીઠું સહિતની વસ્તુઓ નાખીને ત્યાં ચણતર કરાવી દીધું હતું. ઘટનાના કેટલાક દિવસો બાદ મકાન પણ બદલી નાખ્યું હતું. કબૂલાત બાદ ખોદકામ કરતાં રસોડામાંથી હાડપિંજર મળી આવ્યું હતું. પતિ ગુમ થયાની જાહેરાકત કરનારી પત્ની અને તેનો પ્રેમી જ હત્યારા નીકળતા ચકચાર મચી ગઈ હતી.



