અવકાશમાં ગુંજશે ગુજરાતનું નામઃ અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવેલો સેટેલાઇટ આજે ISRO લોન્ચ કરશે!

અમદાવાદ: ગુજરાતના વિદ્યાર્થીઓએ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદની સંસ્કારધામ શાળાના વિદ્યાર્થીઓએ ધોરણ 7 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ‘સંસ્કારસેટ-1’ (SanskarSat-1) નામનો સ્ટુડન્ટ સેટેલાઇટ તૈયાર કર્યો છે, જેને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા આજે લોન્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની નોંધવા જેવી બાબત એ છે કે વિદ્યાર્થીઓએ માત્ર પુસ્તકિયા જ્ઞાન સુધી મર્યાદિત ન રહીને, સેટેલાઇટ મિશનના તમામ પાસાઓ પર પ્રાયોગિક રીતે કામ કર્યું છે.
આ ‘સંસ્કારસેટ-1’ એક નાનો ‘ક્યુબસેટ’ (CubeSat) પ્રકારનો ઉપગ્રહ છે, જે મુખ્યત્વે શૈક્ષણિક પ્રયોગો અને સંશોધન માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ક્યુબસેટ એ નાના કદના ઉપગ્રહ હોય છે જેને મોટા ઉપગ્રહોની સાથે વધારાના પેલોડ તરીકે અવકાશમાં મોકલી શકાય છે. આ સેટેલાઇટ દ્વારા વિદ્યાર્થીઓ પૃથ્વી સાથે સંદેશાવ્યવહાર કેવી રીતે થાય છે અને અવકાશમાંથી ડેટા મેળવી તેનું વિશ્લેષણ કઈ રીતે કરી શકાય તેનું પ્રાયોગિક શિક્ષણ મેળવશે.
આ મિશન પાછળ કુલ 15 તેજસ્વી વિદ્યાર્થીઓની મહેનત રહેલી છે. આ વિદ્યાર્થીઓને પાંચ અલગ-અલગ ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા, જેમાં ડિઝાઇનિંગ, ફેબ્રિકેશન, મિશન પ્લાનિંગ, એસેમ્બલી અને ક્વોલિટી એશ્યોરન્સ જેવા મહત્વના વિભાગોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ શાળાના કેમ્પસમાં જ એક ઓટોમેટેડ વેધર સ્ટેશન પણ બનાવ્યું છે, જેની મદદથી તેઓ કૃષિ અને આબોહવા પર દેખરેખ રાખવા માટે રિયલ-ટાઇમ ડેટા એકત્રિત કરવાનો અનુભવ મેળવી રહ્યા છે.



