‘પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ, ગુજરાત પાર્ટીના ઈશારે નાચનારાંના પટ્ટા જરૂર ઉતારશે’

અમદાવાદઃ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી પણ મેવાણીના સમર્થનમાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક કવિતા પોસ્ટ કરી છે. જેમાં તેમણે પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ, ગુજરાત પાર્ટીના ઈશારે નાચનારાંના પટ્ટા જરૂર ઉતારશે તેમ લખ્યું છે.
આ ઉપરાંત પરેશ ધાનાણીએ કવિતામાં લખ્યું છે કે, સંવિધાનની રક્ષા કરે ઈ સિપાહી, પાર્ટીના ઈશારે નાચે ઈ પટાવાળા. મારું ગુજરાત સંવિધાનના રક્ષકોને કાયમી સલામ કરશે અને પાર્ટીના ઈશારે નાચનારા સૌના જરુરથી પટ્ટા ઉતારશે! ધાનાણીની આ પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મેવાણી હાય હાય ના નારા લગાવવામાં આવ્યા હતા. આ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ જીગ્નેશ મેવાણી સામે વિરોધ જોવા મળ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો ત્યારે બાદ પોલીસ પરિવારની પ્રતિક્રિયા આવી હતી. જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ તંત્રને અપમાનિત કરાતા શબ્દોનો ઉપયોગ કરી લાગણી દુભાતા શબ્દોનો ઉપયોગ કરાતા પોલીસ વિભાગમાં રોષ છે, પોલીસ તંત્રને ઉશ્કેરણી જનક શબ્દો વાપરવાના મુદ્દે પાટણ કલેકટરઆવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પોલીસ પરિવારના આક્રોશ બાદ હવે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અનેક લોકો રસ્તા પર ઉતર્યા હતા. પાટણ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચના આગેવાનો કાર્યકરોએ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ, ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. જેમાં લિસ્ટ આપ્યા બાદ પણ પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરવાની ચીમકી આપવામાં આવી હતી.
આપણ વાંચો: રોંગ સાઇડ વાહન ચલાવવાના કેસને કારણે પાસપોર્ટ રિન્યૂ ન થયો, જાણો ગુજરાત હાઈ કોર્ટે શું આપ્યો આદેશ



